Mysamachar.in-વડોદરા
આગના બનાવો જાણે કે રોજિંદા બની રહ્યા છે, આ ભયાનક આગના બનાવોમાં લોકોનો ભોગ પણ લેવાઈ રહ્યો છે, ઘણાં બધાં લોકોએ જિવ બચાવવા નાસભાગ કરવી પડી રહી છે, કોઈ પણ આગ શરૂઆતમાં નાની હોય છે, પરંતુ તેને બુઝાવવામાં જુદાજુદા કારણોસર નિષ્ફળતા મળતી હોય, આવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જે આખરે દુર્ઘટનાઓ સાબિત થતી હોય છે અને પછી દરેક આવા મનહૂસ બનાવ બાદ દિવસો સુધી વારતાઓ થતી રહે છે, બીજે ક્યાંક આગ ન લાગે ત્યાં સુધી. આપણે ટૂંકમાં દુર્ઘટનાઓમાંથી કોઈ જ બોધપાઠ લેતાં નથી.
આવો વધુ એક બનાવ બન્યો. બે દિવસ અગાઉ બિલીમોરા નજીક જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી અને તેમાં 3 કામદારો મોતનો શિકાર બની ગયા. ત્યારબાદ, વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં પિઝાના એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી. અફસોસની અને નોંધપાત્ર બાબત એ રહી કે, આ રેસ્ટોરન્ટની ફાયર સિસ્ટમ આ આગના સમયે જ કામ ન આવી અને આગ વિકરાળ બની ગઈ.
આ ભયાનક આગને કારણે રેસ્ટોરન્ટ ધરાવતી આ ઈમારતમાં આવેલી ઘણી બધી ઓફિસ પણ સળગીને ખાખ થઈ ગઈ. અને, ઉપરના માળે એક મહિલા હોસ્પિટલ પણ હોય, આ આગને કારણે હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓમાં દોડધામ થઈ ગઈ. આ સમયે દુર્ઘટના સર્જાઈ હોત તો ?! જવાબદારીઓ કોની ? જો કે સદનસીબે આ આગમાં કોઇનો જિવ ગયો નથી.
આ આગ પિઝા શોપમાં વહેલી સવારે લાગી, ત્યારે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. આગ એક ઓવનને કારણે લાગી. જામનગરમાં પણ બે દિવસ અગાઉ એક હોટેલના ઓવનને કારણે આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ દુકાનો ખાખ થઈ ગઈ હતી. અહીં રહેણાંક કોમ્પ્લેક્ષ પણ છે. વડોદરાની આ આગમાં પણ ઘણી ઓફિસ બળીને ખાખ થઈ છે.