Mysamachar.in:રાજકોટ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હાઈટેન્શન વીજલાઈનોમાં થતાં ટ્રિપિંગને કારણે ઘણાં વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ લાદવો પડતો હોય છે, હવે આ સમસ્યાઓથી વીજગ્રાહકને રક્ષણ આપવા, PGVCL દ્વારા એક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે.
સામાન્ય રીતે, હાઈટેન્શન એટલે કે 11 KVની વીજલાઈનોમાં ઘણી વખત વીજદબાણ (સામાન્ય ભાષામાં વોલ્ટેજ વધવા) વધી જતાં લાઈનના બે વાયરો વચ્ચે શોર્ટ સર્કિટ થતું હોય છે, ઘણી વખત આ વાયરો ભેજને કારણે કે વાતાવરણની અન્ય અસરોને કારણે ખવાઈ જતાં હોય છે, તેને કારણે પણ શોર્ટ સર્કિટ થતું હોય છે- વીજતંત્રની ભાષામાં તેને લાઈન ટ્રિપિંગ કહે છે, અને જ્યારે જ્યારે આવું બનતું હોય છે ત્યારે જેતે વિસ્તારોમાં તંત્રએ કલાકો સુધી વીજકાપ લાદી સ્થિતિ પૂર્વવત્ કરવી પડતી હોય છે, સામાન્ય બોલચાલની ભાષામાં આ ઘટનાને ફોર ફોર્ટી (એટલે કે 440 વોલ્ટનો આંચકો) કહે છે, જ્યારે જ્યારે HT લાઈનમાં આવું બને છે ત્યારે LT લાઈનના સંબંધિત ફીડરો ટ્રિપ થઈ જતાં હોય છે, જેને કારણે વીજપૂરવઠો બંધ થઈ જતો હોય છે. આ પ્રકારના અણધાર્યા અને વારંવારના વીજકાપનો જામનગર સહિતના શહેરોને મોટો અને કડવો અનુભવ છે, હવે આગામી સમયમાં આ પ્રકારના વીજકાપમાંથી રાહત મળી શકશે, વીજતંત્ર એક નવી ટેકનોલોજીનો અમલ શરૂ કરી રહ્યું છે.
વીજતંત્રની રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરીના જણાવ્યા અનુસાર, ટ્રિપિંગની ઘટનાઓ ઘટાડવા વાયર કોટીંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર કચ્છના એક ડઝન જિલ્લાઓમાં વીજ વિતરણ કરતી PGVCL આ અગાઉ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતો પાયલોટ પ્રોજેકટ કરી ચૂકી છે, જેમાં સફળતા મળી હોય, હવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ કામગીરીઓ થશે. આખી યોજના રૂ. 860 કરોડની છે.
માર્ચ, 2025 સુધીમાં આ માટે MVCC ટેકનોલોજીની મદદથી તમામ 11 KV લાઈનનું કોટીંગ થશે. MVCC એટલે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર. આ ટેકનોલોજીમાં 11 KV કંડક્ટરને ક્રોસ લિંકડ્ પોલિથીલીન પ્લાસ્ટિક(XLPP)થી કોટીંગ કરવામાં આવે છે અને આ માટે HDPP (હાઈ ડેન્સિટી પોલિ ઈથિનીલ)નું વધારાનું કવર કોટીંગ થાય છે. PGVCL એ આ મટીરીયલ્સ ખરીદી લીધું છે, હવે કામ શરૂ થશે.
કોર્પોરેટ કચેરી કહે છે: શરૂઆતમાં દરિયાકિનારાના વિસ્તારો, જંગલ વિસ્તાર, જયોતિગ્રામ વિસ્તાર, શહેરી અને ઔદ્યોગિક વિસ્તાર તથા પાણી પૂરવઠા વ્યવસ્થા સાથે સંકળાયેલી વીજ લાઈનોમાં અને બાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ કોટીંગ કામગીરીઓ થશે. આ પ્રકારનું ટ્રિપિંગ ઘણી વખત ખવાઈ ગયેલાં વાયરો તૂટવાથી, ઝાડની ડાળી કે ઝાડ વાયર પર તૂટી પડવાથી કે ઘણી વખત વાનરોની કૂદાકૂદ જેવા કારણોથી પણ થતું હોય છે, આ બધાં કારણો પણ ધ્યાન પર લેવામાં આવે છે. કચેરી કહે છે: ગુજરાતમાં PGVCL પ્રથમ એવી વીજવિતરણ કંપની છે, જે આ પ્રોજેક્ટ ટૂંકમાં જ શરૂ કરવા જઈ રહી છે. જેનાથી વીજગુણવતા વધશે, વીજકાપ ઘટી શકશે.(તસ્વીર પ્રતિકાત્મક છે)