Mysamachar.in-ગુજરાત:
ગુજરાત આમ જૂઓ તો સમૃધ્ધ અને શાંત દેખાઈ રહ્યું છે, બીજી તરફ બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા ચિંતાપ્રેરક પ્રમાણમાં વધી રહી છે. ખુદ સરકારના આંકડાઓ આ હકીકત જાહેર કરી રહ્યા છે. સરકારના આંકડાઓ કહે છે, પાછલાં પાંચ વર્ષથી ગુજરાતમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓની સંખ્યા વધી રહી છે. દેશભરમાં બાળકોના અધિકારનું રક્ષણ કરી રહેલી સરકારની નેશનલ એજન્સી કહે છે, પાંચ વર્ષ દરમિયાન બાળકો વિરુદ્ધના ગુનાઓની સંખ્યા 2,294 નોંધાવા પામી છે. અને આ સમય દરમિયાન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો આંકડો 2,271 રહ્યો છે.
2018-19 માં બાળકો વિરુદ્ધના 77 ગુનાઓ દાખલ થયા. 2019-20 માં આ આંકડો 1,478 રહ્યો. 2020-21 માં 42, 2021-22 માં 279 અને 2022-23 માં આ આંકડો 418 નો રહ્યો. પાંચ વર્ષ દરમિયાન આ આંકડો પાંચ ગણો થયો. આ ગુનાઓ પૈકી ખૂબ ઓછાં કેસમાં એજન્સીએ પોતાની રીતે ગુનાઓ દાખલ કરાવ્યા અને એક્શન લીધાં. 2018માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા 247 હતી. 2019માં આ આંકડો 298 રહ્યો. 2020માં આ આંકડો 393 થયો. 2021માં આ આંકડો 458 થયો. 2022માં આ આંકડો 415 રહ્યો અને, 2023માં 30 નવેમ્બર સુધીનો આ આંકડો 460 થઈ ગયો. આમ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પાંચ વર્ષ દરમિયાન બમણાં થઈ ગયા. જે પૈકી ઘણાં ગુનાઓમાં કાર્યવાહીઓ પણ કરવામાં આવી.