Mysamachar.in-ગુજરાત:
એક સર્વસામાન્ય માન્યતા એવી છે કે, નેતાઓ જાડી ચામડીના હોય છે. તેઓ પર ગમે તેટલું પાણી રેડો, તેઓને ગરમી કે ઠંડીનો અહેસાસ થતો નથી. બેશરમી આ વ્યવસાયમાં વધારાની લાયકાત હોય છે, એવું પણ ઘણાં લોકો કહેતાં હોય છે. હાલમાં સુપ્રિમ કોર્ટમાં એક મામલો આવ્યો. જેમાં ટીકાઓ સામે રાજકારણીઓની ચામડી જાડી હોવી જોઈએ, એમ ખુદ અદાલતે, એક અલગ સંદર્ભમાં, આ મામલામાં કહ્યું.
એક રાજકીય વિવેચકે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરેલી. તેમણે આ અરજીમાં પોતાની ધરપકડ સામે રક્ષણ મેળવવા માંગ કરેલી. તેના પર એક રાજ્યના લોકો વિરુદ્ધ ટીપ્પણી કરવાનો આરોપ અગાઉ દાખલ થયો હતો. જેથી તેણે ધરપકડથી બચવા આ અરજી કરી હતી. આ મામલાની સુનાવણીઓ દરમિયાન અદાલતે કહ્યું: રાજકારણીઓની ત્વચા જાડી હોવી જોઈએ.
જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે આ અરજીની સુનાવણી કરી હતી. આ દિવસોમાં ન્યાયાધીશોએ પણ અખબારો અને ઈન્ટરવ્યૂમાં તેઓની વિરુદ્ધ થતી ટીપ્પણીઓને અવગણવી જોઈએ અને રાજકારણીઓની ચામડી જાડી હોવી જોઈએ, એમ બેન્ચે જણાવ્યું હતું. બેન્ચે વધુમાં જણાવ્યું કે, જો આપણે તેઓને (ટીકા કરનારાઓને) સાંભળવાનું શરૂ કરીએ તો આપણે આપણું કામ કયારે કરવું ?
આમ આ મામલામાં અદાલતે નેતાઓની ચામડી જાડી હોવી જોઈએ એમ એક અલગ સંદર્ભમાં કહ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં ટીપ્પણીઓ બદલ આ અરજદાર રાજકીય વિવેચકની ધરપકડનો આદેશ આસામના મુખ્યમંત્રીએ આપેલો. જેની સુનાવણી દરમિયાન અદાલતે ઉપરોકત નિરીક્ષણ આપ્યા. આ વિવેચકની જામીન અરજી મંજૂર થયેલી અને તેમને ધરપકડથી રક્ષણ પણ આપવામાં આવેલું છે.