Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત સમગ્ર રાજયમાં અને આમ જૂઓ તો દેશ અને દુનિયામાં પણ, સાયબર ક્રાઇમ ખૂબ જ મોટો અને જટિલ વિષય બની ચૂકયો છે. આ ક્ષેત્રમાં રોજ નવા નવા કાંડ થઈ રહ્યા છે, બીજી તરફ સમસ્યાઓ એ પણ છે કે, કૌભાંડો થાય છે તેની સરખામણીએ બહુ ઓછાં આરોપીઓ પકડી શકાય છે અને જેઓ પોલીસના હાથમાં આવી જાય છે તેઓ પરચૂરણ આરોપીઓ હોય છે, મગરમચ્છો કરોડોના કૌભાંડ કરતાં રહે છે. આ ક્રાઈમ ઉદ્યોગ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રાતદિવસ લાખોની સંખ્યામાં ચાલે છે, જેમાં હજારો લોકો શિકાર બની રહ્યા છે, ખુદ પોલીસકર્મીઓ પણ ‘શિકાર’ બની રહ્યા છે અને આરોપીઓ મૌજ ઉડાવી રહ્યા છે !!
સમગ્ર રાજયમાં એવા સંખ્યાબંધ કેસ પડતર છે જેમાં છેતરપિંડી થઈ ચૂકી છે, નાણાં આરોપીઓના ગજવામાં પહોંચી ચૂકયા છે અને હજુ આવા કેસો પૈકી ઘણાં કેસોમાં તપાસના ફીફા લાંબા સમયથી ખંડાઈ રહ્યા છે અને ભોગ બનનારાઓ પોલીસ સ્ટેશનોએ ધક્કા ખાઈ રહ્યા છે !!
એક અન્ય મુદ્દો એ પણ જાણવા જેવો છે કે, જે IPS અમલદારોના નામ માત્રથી આરોપીઓ ફફડી ઉઠતાં હોય, એવા ઉચ્ચ અમલદારોના નામે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર બનાવટી એકાઉન્ટ ધમધમતાં હોય છે અને આ એકાઉન્ટ મારફતે ખેલ પણ થતાં હોય છે !! તો પણ, આ ભેજાબાજ ગુનેગારો સાયબર ક્રાઈમ પોલીસના હાથમાં આવતાં નથી ! આ સ્થિતિમાં સામાન્ય ફરિયાદીની સ્થિતિ શું હોય શકે ?! એ પ્રશ્ન નો જવાબ સમજી શકાય તેમ છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાત કેડરના આઈપીએસ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તેઓના ફોટાઓની તફડંચી થાય છે અને તે ફોટાઓની મદદથી ફેક એકાઉન્ટ ખૂલી જાય છે અને આ ખાતાંઓની મદદથી છેતરપિંડીઓ થઈ રહી છે.! જેનો ભોગ સામાન્ય વ્યક્તિઓ જ નહીં, પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ બની રહ્યા છે ! આમ છતાં આ આરોપીઓ ઝડપાતાં નથી !! સાયબર ક્રાઈમ બ્રાંચનો પન્નો જાણે કે ટૂંકો પડી રહ્યો છે, ભેજાબાજોએ શાતિર ખેલ પાડ્યા હોય છે !!
થોડા સમય અગાઉ જાહેર થયેલું કે, IPS હસમુખ પટેલનું એક ફેક એકાઉન્ટ કોઈ સાયબર ઠગોએ બનાવેલું. એ અગાઉ આવા ચીટરોએ અજયકુમાર ચૌધરી, સંદીપસિંગ, હરેશ દૂધાત અને પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓના આવા બનાવટી એકાઉન્ટ બનાવેલા હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી અમુક કેસમાં જ આરોપીઓ પકડાયા છે અને અમુક કેસ હજુ વણઉકેલાયા છે !
બીજી તરફ છેલ્લા કેટલાંક સમયથી એસપી, પીઆઈ અને પીએસઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ઠગો ગોરખધંધાઓ ચલાવી રહ્યા છે ! પોલીસ અધિકારીના નામનો મેસેજ જોઈને જેતે વ્યક્તિ આવા એકાઉન્ટમાં નાણાં પણ ટ્રાન્સફર કરી દેતી હોય છે. ગુનેગારોની આ મોડસ ઓપરેન્ડીનો શિકાર સામાન્ય વ્યક્તિઓ ઉપરાંત પોલીસકર્મીઓ પણ બની રહ્યા છે ! ખુદ પોલીસ સાથે આ રમતો રમાઈ રહી છે અને સાયબર ક્રાઈમ બ્રાંચ આ રમતો રોકવામાં નિષ્ફળ રહી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ પ્રકારના આરોપીઓને ઝડપી લેવા પોલીસ અધિકારીઓએ નામ બદલીને આરોપીઓ સાથે ફોન પર વાતચીત કરી, વિશ્વાસમાં લઈ હાથોહાથ પૈસાની લેતીદેતી કરવાની ગોઠવણો દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો કર્યા તેમાં પણ પોલીસને સફળતા મળી નથી !
એક તરફ પોલીસ અધિકારીઓ સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા જાહેર કાર્યક્રમો કરે છે અને લોકોને શિખામણો આપે છે કે, લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ, તેઓના નામના ફેક એકાઉન્ટ ધમધમે છે અને આવા એકાઉન્ટથી લોકોએ ચેતતા રહેવું એવા ખુલાસાઓ કરતાં ફરે છે !! રાજયનું સાયબર ક્રાઇમ સેલ આ પ્રકારના એટેક રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાનું સમજાઈ રહ્યું છે. મોટાં શહેરોમાં ફરજો બજાવતા અથવા ફરજો બજાવી અન્યત્ર બદલીઓ પામેલાં ઘણાં પોલીસ અધિકારીઓના આવા ફેક એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું છે. સ્થિતિ એકદમ વિચિત્ર અને અચરજ પમાડનારી છે.