Mysamachar.in-રાજકોટઃ
મહિલાઓની સુરક્ષા માટે આમતો અનેક પ્રયાસો થઇ રહ્યાં છે, પરંતુ ટેક્નોલોજીના યુગમાં રાજકોટ પોલીસ પણ હાઇટેક બની છે. રાજકોટ પોલીસ દ્વારા એક એવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેના ઉપયોગથી મહિલા ગમે ત્યારે મદદ માગી શકશે. મુશ્કેલીના સમયમાં મહિલાના એક ક્લિક કરવાથી તેને પોલીસની મદદ મળી જશે. એટલું જ નહીં ફોનમાં મહિલાના પરિવારજનોને પણ સંપર્કમાં રાખવામાં આવશે જેથી તેઓને પણ ખબર પડી જશે કે તેની પુત્રી ક્યાં પહોંચી છે. આ ખાસ એપ્લિકેશનનું નામ સુરક્ષિતા રાખવામાં આવ્યું છે જેને ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવશે.
રાજકોટ પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે અમે ખાસ એપ્લિકેશન સુરક્ષિતા તૈયાર કરી છે, સુરક્ષિતા એપ ડાઉનલોડ કરનાર મહિલા કોઇ વિકટ સ્થિતિમાં હોય ત્યારે તે પોતાના મોબાઇલમાંથી સુરક્ષિતા એપ ઓપન કરી તેમાં એક ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ એક મેસેજ પોલીસ કન્ટ્રોલરૂમમાં જશે અને બે મેસેજ મહિલાના પરિવારજનોને જશે. મેસેજ મળતાની સાથે પોલીસ ટીમ મહિલાનો સંપર્ક સાધશે અને જો જરૂર જણાય તો તાત્કાલિક સ્થળ પર પહોંચશે. આ એપ્લિકેશનની મદદથી મહિલાના પરિવારજનો જાણી શકશે કે તે ક્યાં છે એટલે કે તેનું લોકેશન જાણી શકાશે. આ સિવાય સુરક્ષિતા એપ્લિકેશનમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી અનેક ફિચર્સ આપવામાં આવ્યા છે.