Mysamachar.in-રાજકોટ
મોટાભાગના લુંટારાઓ જેને લુંટ કરવી હોય તે ચોક્કસ રેકી કરી અને લુંટનો પ્લાન ઘડતા હોય છે, આવા શખ્સોના મનસુબા ક્યારેક કામયાબ તો ક્યારેક નાકામયાબ રહે છે, આવો જ એક પ્લાન રાજકોટની સોનીબજારમાં લૂંટનો પ્લાન ઘડ્યો હોવાની અને બે શખ્સ લૂંટની તૈયારીમાં દીવાનપરામાં બેઠા હોવાની માહિતી મળતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાતમી વાળા સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે મળેલ બાતમી મુજબ બંને શખ્સને ઝડપી લઇ તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
બંને શખ્સ પાસેથી કાળાકલરની એરગન, ધારદાર છરીઓ, હેન્ડ ગ્લોઝ, મોઢે બાંધવાનો માસ્ક, સેલોટેપનું બંડલ અને મરચાંની ભૂકી મળી આવી હતી પોલીસે બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં બંનેએ લૂંટના કાવતરાની કબૂલાત આપી હતી. જાણવા મળતી માહિતી મુજબ હકા લાંબરિયા અગાઉ ચાનો થડો ધરાવતો હતો અને કનકસિંહ ત્યાં નોકરી કરતો હતો. હકા લાંબરિયાને આર્થિક ખેંચ દૂર કરવા માટે લૂંટનો વિચાર આવ્યો હતો અને છેલ્લા એકાદ મહિનાથી સોનીબજારમાં આંટાફેરા કરી ક્યા શો-રૂમને ટાર્ગેટ કરવો તેની યોજના ઘડતો હતો.
સોનીબજારમાં રૈયાનાકા મેઇન રોડ પર આવેલી સોની ગીરધરલાલ હિરાલાલ હડાળા વાળાનો શો-રૂમ હકાના ધ્યાન પર આવ્યો હતો. શો-રૂમના સંચાલક ગીરધરલાલ 65 વર્ષની વયના હોય અને દરરોજ સવારે દુકાન ખોલતી વખતે ગીરધરલાલ એકાદ કલાક એકલા જ શો-રૂમમાં હોય છે તે અંગેની હકાએ રેકી કરી લીધી હતી, પ્રૌઢના શો-રૂમમાં લૂંટ ચલાવ્યા બાદ ભાગવામાં પણ સરળતા રહે તેમ હોય હકાએ ગીરધરલાલના શો-રૂમમાં લૂંટ ચલાવવાનું નક્કી કરી લીધું હતું અને તેના સાથીદાર કનકસિંહ ચૌહાણને વાત કરી હતી, છેલ્લા પાંચ દિવસથી હકો અને કનકસિંહ દરરોજ ગીરધરલાલના શો-રૂમ નજીક આંટાફેરા કરતા હતા.
શો-રૂમમાં ઘૂસ્યા બાદ પ્રૌઢ વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી સેલોટેપથી તેમનું મોં બાંધી દેવાની યોજના ઘડી કાઢી હતી, પોતાની ઓળખ થાય નહીં તે માટે ચહેરા પર માસ્ક રૂમાલ પહેરવાના હતા અને પ્રૌઢ વેપારીને ધમકાવવા માટે એરગન ખરીદ કરી હતી. જો ધમાલ થાય અને કોઇ વચ્ચે આવે તો હુમલો કરવા છરી પણ સાથે રાખવાના હતા. ફિલ્મીઢબનું કાવતરું રચ્યા બાદ સોમવારે સવારે લૂંટ ચલાવવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. પોલીસે રિક્ષા, બાઇક અને હથિયાર સહિત કુલ રૂ.55,680નો મુદ્દામાલ જપ્ત કરી લુંટના આ કાવતરા ને નિષ્ફળ બનાવી દીધું છે.