Mysamachar.in-વડોદરા
કોઈના બાળકો, પતિ પત્ની કે પછી ઘરના અન્ય સભ્યો ગુમ થયા હોય તો લોકો પોલીસ પાસે મદ્દદ માટે દોડે છે, પણ વાત વડોદરાથી આવી છે જ્યાં એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરના પત્ની જ એક માસથી ગુમ હોય હજુ સુધી ના મળી આવ્યાનો મામલો માધ્યમોમાં સામે આવતા વડોદરા સહીત રાજ્યભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, એસઓજીમાં ફરજ બજાવતા પીઆઇ એ.એ.દેસાઇનાં કરજણમાં રહેતાં પત્ની 1 મહિના પહેલાં મધરાતે ઘર છોડી ભેદી સંજોગોમાં ગુમ થયાં હતાં. કરજણ પોલીસે જાણવા જોગ નોંધી શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે તેઓ 2 વર્ષના બાળક અને મોબાઇલ ઘેર છોડીને જતાં રહ્યાં હતાં. ઘર છોડવા પાછળનું કારણ જાણવા મળી શકયું ન હતું.
કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટીબેન પટેલ 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડી જતા રહ્યા હોવા બાબતે સ્વીટીબેનના ભાઇ જયદીપ પટેલે 11 જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવાજોગ નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યાર બાદ તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરાઈ હતી. જોકે તેમનો પરિવાર કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતો હતો. બનાવને પગલે કરજણ પીઆઇ પટેલ તથા ડીવાયએસપી કે.વી.સોલંકીએ તપાસ શરૂ કરી હતી. પણ આજ દિવસ સુધી હજુ પતો ના લાગતા પરિવાર ચિંતામાં છે.

























































