Mysamachar.in-રાજકોટઃ
ગુજરાતમાં દારૂ પકડાવો એ હવે સામાન્ય બાબત બની ચૂકી છે, જો કે રાજકોટમાં બૂટલેગરો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં પોષ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર પોલીસ અને બૂટલેગરની કારને જોઇ થોડીવાર લોકોમાં ભારે કુતુહલતા પણ જોવા મળી હતી, બનાવની વિગત એવી છે કે રાજકોટ તાલુકા પોલીસે બાતમીને આધારે સત્યમ રોડ પર ઈનોવા કાર રોકી હતી, જો કે પોલીસને જોઇ ચાલકે કાર પુરપાટ ઝડપે દોડાવી હતી. પોલીસે શહેરના રસ્તાઓ પર ફિલ્મી ઢબે ઈનોવા કારનો પીછો કર્યો હતો. અંતે ઈનોવા કારને કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે પહોંચતા પોલીસે અટકાવી હતી. પોલીસને જોતા ઇનોવા કારમાંથી એક વ્યક્તિ નાસી ગયો હતો. જોકે, બીજા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો.કારમાં તલાસી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઇનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દિલીપ જેબલિયા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ જેબલિયા ખેતીકામ કરે છે અને ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. આરોપી દિલીપ રાજકોટ ઉપરાંત બોટાદ, સુરેન્દ્રનગર અને વડોદરા ગ્રામ્યમાં અગાઉ પોલીસ ચોપડામાં પોતાનું નામ નોંધાવી ચુક્યો છે. તો નાસી છૂટેલા અન્ય એક શખ્સ નિતિન પગીને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે ઇનોવા કાર અને 280 બોટલ ઈંગ્લીશ દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.