Mysamachar.in-રાજકોટ:
આજના સમયમાં યુવક અને યુવતીને એકબીજાથી આંખ મળી જતા વાર નથી લાગતી પણ આંધળો વિશ્વાસ મુક્નારે બાદમાં પસ્તાવાનો વારો આવે છે, આવો જ વધુ એક રાજકોટના ગોંડલમાં સામે આવ્યો છે, જ્યાં એક શખ્સે 23 વર્ષની એક યુવતીને નોકરીની લાલચ આપી સંપર્ક સાંધ્યો હતો. અને બાદ તેની વાતોમાં ભોળવી લઈને યુવતીને પોતાની જાળમાં ફસાવી તેનાં વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું, એટલું જ નહીં આરોપીએ યુવતી પાસેથી રોકડ રૂપિયા અને દાગીના પણ પડાવી લીધા હતા. અંતે કંટાળી યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

ગોંડલ પંથકમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે ગોંડલ ભગવતપરામાં રહેતાં મુસ્તકીન હનીફ ખલીફાએ નોકરી અપાવી દેવાની લાલચ આપી સંપર્ક કેળવ્યો હતો. અને ધીમે ધીમે તેણે યુવતીને મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી હતી. યુવતી જાળમાં ફસાતાં જ યુવકે તેની પાસેથી વીડિયો અને ફોટાની માગ કરી હતી. અને વિશ્વાસ રાખીને તેણીએ પોતાના ફોટો આપ્યા હતા, યુવતી પોતાની જાળમાં ફસાતાં જ યુવકે પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત કરી દીધી હતી, અને યુવતીએ મોકલેલાં ફોટા અને વીડિયોને વાઈરલ કરી યુવતીને શારીરિક સંબંધ બનાવવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

જે બાદ યુવતી યુવકનાં તાબે નાં છૂટકે થઈ ગઈ હતી. યુવકે ધમકીનાં આધારે અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહીં, યુવકે યુવતી પાસેથી 30 હજાર રૂપિયા, બે સોનાની ચેઈન અને સોનાની બે જોડી બૂટી પણ પડાવી લીધી હતી. પણ અંતે યુવકની ધમકીઓથી ત્રાસીને યુવતીએ આ મામલે ગોંડલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. અને ગણતરીનાં કલાકોમાંડ જ પોલીસે આરોપી મુસ્તકીન ખલીફાને ઝડપી પાડ્યો છે.
