Mysamachar.in-રાજકોટ:
કાયદા મુજબ ગર્ભ પરીક્ષણ કરવું તે સજાના પાત્ર ગુન્હો છે, અને આવા બોર્ડ સોનોગ્રાફી સેન્ટરો અને ગાયનેક તબીબોની હોસ્પિટલો બહાર જોવા મળતા હોય છે, છતાં કેટલાક તત્વો આવા ગર્ભ પરીક્ષણના ગોરખધંધા કરીને કુખમાં કયું સંતાન ઉછરી રહ્યું છે તેની માહિતી યુગલોને આપે છે, આવા જ ગોરખધંધાનો રાજકોટ પોલીસે પર્દાફાશ કર્યો છે, ગર્ભ પરીક્ષણ કરાવવા ઇચ્છતા હોય તો તેમને ઘરે જઇને ગર્ભ પરીક્ષણ કરી આપતા ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નયન ગીરનારા અને બીના ઉર્ફે મીરા ડેડાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અત્યાર સુધી છેલ્લા 11 માસમાં 20થી વધુ ગર્ભ પરીક્ષણ કરી આપ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના લક્ષ્મીનગર RMC ક્વાર્ટરમાં રહેતી મહિલા બીના ઉર્ફે મીરા ડેડા ગર્ભ પરીક્ષણ કરાવી આપતી હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ કર્મી ડમી ગ્રાહક બની ગર્ભ પરીક્ષણ માટે બીના ઉર્ફે મીરાનો સંપર્ક કર્યો હતો. જેના આધારે પોલીસે રણછોડનગર સંતકબીર રોડ પર એક રહેણાંક મકાનમાં બોલાવી ગર્ભ પરીક્ષણ માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
આ ટ્રેપ સફળ થતા પોલીસે બીના અને નયનની ધરપકડ કરી 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલા આરોપી પૈકી નયન ગીરનારા ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હોવાથી 11 માસ પહેલા વિદેશથી ગર્ભ પરીક્ષણ માટે મશીન ખરીદ્યુ હતું. રાજકોટની મહિલા બીના રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ગર્ભ પરીક્ષણ કરાવવા ઇચ્છતી મહિલાનો સંપર્ક કરી બાદમાં રૂપિયા 15000માં ઘરે જઇ ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ અત્યાર સુધી 20થી વધુ ગર્ભ પરીક્ષણ કર્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ ગર્ભપાત કરાવવા માટે પણ તેઓ કામ કરતા હોવાની શંકાના આધારે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગર્ભ પરીક્ષણ કરવા માટેનું મશીન, બે મોબાઇલ ફોન, એક કાર સહિત 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.