Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:જીતુ શ્રીમાળી
આમ તો ગાંધીના ગુજરાતમાં કાગળ પર દારૂબંધીનો અમલ ચુસ્તપણે થાય છે,પણ આ એ જ ગુજરાત છે જ્યાં દારૂબંધી હોવા છતાં પણ વર્ષે કરોડો રૂપિયાનો શરાબ પીવાઈ પણ જાય છે અને વધેલો ઘટેલો કોઈક વખત પકડાઈ પણ જાય છે,એવામાં વાઈટકોલર લોકોને (જેને મળવાપાત્ર છે તે) શરાબનું સેવન કરવા સમયે કોઈ તકલીફ ના પડે તે માટે આપણે ત્યાં “હેલ્થ પરમીટ” ઇસ્યુ કરવામાં આવે છે,પણ છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીને લઈને કડક બનેલ સરકાર આ હેલ્થ પરમીટને મુદ્દે પણ કડક બનતા જામનગર અને દ્વારકા જીલ્લા સહિતના પરમીટ ધારકોને કેટલાક સવાલો મનમાં ચોક્કસથી ઉદભવતા હશે,
તાજેતરમા જ ગુજરાત સરકાર દ્વારા લીકરની હેલ્થ પરમીટને લઈને નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં હેલ્થ પરમીટની ફીમાં પણ ૪૦૦૦ જેવો વધારો કરવામાં આવ્યો છે અને નવા એરિયા મેડિકલ બોર્ડની રચના કરાઇ છે,ત્યારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનો રાજકોટ એરિયા મેડિકલ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે,
નવી હેલ્થ પરમીટ માટે સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા કરવા માટે નવા નિયમો સાથે હજુ કાર્યવાહી ચાલુ હોય આથી જામનગર સહિત રાજયમાં હજુ જે લોકોની ૪૦ વર્ષથી ઉપરની ઉંમર હોય તેને હેલ્થની પરમીટ મેળવવા માટે હજુ રાહ જોવી પડશે,
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના હેલ્થ પરમીટ ધારકો માટે હાલ રિન્યુની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જામનગર નશાબંધી વિભાગ પાસે ૫૦ જેવી હેલ્થની પરમીટો રિન્યુમાં આવેલ હોય આ પરમીટોની તમામ કાર્યવાહી જામનગર કચેરી ખાતે કરીને રાજકોટ એરિયા મેડિકલ બોર્ડમાં મોકલી આપવામાં આવશે અને રાજકોટ એરિયા મેડિકલ બોર્ડ દ્વારા આ પરમીટો રિન્યુ કરવા અંગે જરૂરી તપાસ કરી આખરી નિર્ણય લેશે,
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં હાલ ૩૦૪૭ લોકો હેલ્થ પરમીટ ધરાવે છે, જેમાંથી ૧૯૬૦ એક્સ-આર્મીમેન પાસે પરમીટો છે અને અન્ય ૧૦૮૭ લોકો પાસે હેલ્થની પરમીટ છે, તેમજ બે મહિલાઓ પણ આ પરમીટ ધરાવે છે,
જામનગર નશાબંધી વિભાગના સુપ્રિટેન્ડન્ટ એમ.પી.સાકરીયા શું કહે છે?
લીકરના સેવન માટે લેવામાં આવતી હેલ્થ પરમીટ અંગે સરકાર જાહેર કરેલ નવી નીતિ અંગે mysamachar.in ને જામનગર નશાબંધી વિભાગના સુપ્રિટેન્ડન્ટ એમ.પી.સાકરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે હાલ દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં જે હેલ્થની પરમીટ ધરાવે છે, તેઓની પરમીટ રિન્યુ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, નવી હેલ્થની પરમીટ માટે સરકારમાં ઓનલાઈન અંગે પ્રક્રિયાની કાર્યવાહી ચાલુ હોય જે સરકારમાંથી નવા નિયમો તપાસીને નવી હેલ્થ પરમીટ આપવામાં આવશે,હાલ નવી હેલ્થ પરમીટ માટેની કાર્યવાહી બંધ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.