Mysamachar.in-રાજકોટ
કોરોનાનો કહેર દિવસને દિવસે વધતો જાય છે અને સામે કોરોનાના દર્દીઓ માટે સુવિધાઓ જેવી કે બેડ, ઓક્સીઝ્ન, ઇન્જેકશનો સહિતની ઘટ થતી જાય છે, આ તમામા વચ્ચે હવે દર્દીઓ અને તેના સબંધીઓની પણ ધીરજ ક્યાંક ને ક્યાંક ખૂટી રહી હોય તેમ લાગી રહ્યું છે, આવો એક કિસ્સો સૌરાષ્ટ્રના રાજકોટમાં સામે આવ્યો છે. સત્કાર કોવિડ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ ડોક્ટર અને સ્ટાફને માર મારવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. દર્દી સાથે આવેલા 3 શખ્સોએ દર્દીને દાખલ કરવા જ પડશે તેમ કહ્યું હતું. પરંતુ ડોક્ટરે કહ્યું કે, બેડની વ્યવસ્થા નથી, ઓક્સિજનની લાઇનવાળઓ બેડ ઉપલબ્ધ નથી. તેમજ સ્ટાફનો પણ અભાવ છે. આથી ત્રણેય શખ્સ ઉશ્કેરાયા હતા અને બેફામ ગાળો ભાંડી ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. જોકે સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ છે.
શહેરના એસટી બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રવિવાર રાતે દર્દીને દાખલ કરવા જ પડશે. તેવું કહી ત્રણ શખ્સોએ હોસ્પિટલના ડોક્ટરને ગાળો ભાંડી તેમની ફરજમાં અડચણ ઉભી કરી ઢીકાપાટુનો માર મારી તેમજ વચ્ચે પડેલા સ્ટાફના ત્રણ કર્મચારીઓને પણ માર માર્યો હતો.બાદમાં ત્રણેય શખ્સે ધમકી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ કેમ ચાલુ રાખો છો, પતાવી દઇશ, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો. આથી આ મામલો પોલીસ સુધી પહોંચતાં આર. આર. હોટેલવાળા તરીકે ઓળખાણ આપનાર શખ્સ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધાયો છે. સત્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. અમર જગદીશભાઇ કાનાબારની ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ ઝાલા અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી 323, 452, 504, 506 (2), 114 તથા એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 તથા સુધારા-2020ની કલમ 3 (1-એ) (2), 6 (2) (2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.