Mysamachar.in-વડોદરા:
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો ટ્રેનમાં સુઈ જવું સુરક્ષિત છે તેવું માની અને આરામ કરતા હોય છે, પણ કેટલાક કિસ્સાઓ એવા સામે આવ્યા હતા કે ટ્રેનોમાં નિંદ્રાધીન મુસાફરોના સામાન ચોરી થતો હતો, જે બાદ રેલ્વે પોલીસે આ દિશામાં આગળ વધી અને મુસાફરોનો સામાન ચોરી કરતા ઉત્તરપ્રદેશના ગઠિયાને પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 11.43 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન નિંદ્રાધીન મુસાફરોના કિંમતી સામાનની ચોરી થવાની ઘટનાઓ વધતા રેલવે લોકલ ક્રાઇમ બ્રાચ ટીમ દ્વારા CCTV ફૂટેજ અને સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન માહિતીના આધારે ટીમ ત્રણ દિવસ સુધી સ્થાનિક વેષભુષામાં વોચ ગોઠવી આરોપી રાકેશ ઉર્ફ કલ્લુ આહિરવારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રૂપિયા 11.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સતત ત્રણ દિવસ અલગ-અલગ વેશ ધારણ કરી ખેતર અને સ્થાનિક બજાર સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. તે સમયે આરોપી એક લગ્ન પ્રસંગમાં પહોંચવાનો હોવાની બાતમી મળતા પોલીસ કર્મચારીઓએ ઉત્તર પ્રદેશના લલિતપુર પાસેના પનારી ગામે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.પૂછપરછમાં આરોપી રાકેશ કલ્લુ આહીરવાર (રહે.- સેલવાસ, દાદરનગર હવેલી/ મૂળ રહે. લલિતપુર, ઉત્તર પ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી સોનાના બે હાર, સોનાના ત્રણ કડા સોનાની રીંગ વિગેરે મળી 233.710 ગ્રામ સોનાના દાગીના તથા મોબાઇલ ફોન મળી કુલ 11,42,284નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.