Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં 3 લાખ બાળકો એવાં છે જેઓને આગામી જૂનમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે નહીં. કારણ કે, સરકારે જાહેરાત કરી દીધી છે કે, જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થયાં હશે તેઓને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જો કે, હાઈકોર્ટે સરકારનાં નિર્ણય વિરુદ્ધ સ્ટે આપવાની વાલીઓની માંગણી ફગાવી દીધી છે. પરંતુ વાલીઓનાં વકીલોએ હાઈકોર્ટમાં ધારદાર દલીલો કરતાં, હાઈકોર્ટે સરકારને નોટિસ મોકલાવી જવાબ મંગાવ્યો છે.
વડોદરાનાં 55 બાળકોનાં વાલીઓ હાઈકોર્ટમાં પહોંચ્યા છે. તેઓનાં વકીલો કહે છે : સરકારનાં આ નિર્ણયને કારણે અંદાજે ત્રણ લાખ બાળકોએ એક વર્ષ ગુમાવવું પડશે. જે પૈકી ઘણાં બાળકોને 18 વર્ષ પૂર્ણ થશે ત્યારે તેઓને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ મેળવવામાં તકલીફો થશે. કારણ કે ત્યાં પણ ઉંમર માટે જન્મતારીખની કટ ઓફ ડેટ હોય છે. વકીલોએ એવી પણ દલીલો કરી હતી કે, અગાઉ આ નીતિ વિષયક નિર્ણય અંગે પૂરતો પ્રચાર સરકાર તરફથી થયો ન હતો તેથી જેતે સમયે પ્રિ-સ્કૂલોને આ અંગે કશો ખ્યાલ ન હતો. જેથી સમસ્યાઓ સર્જાઇ છે.
વાલીઓનાં વકીલોની દલીલો સામે વિરોધ દર્શાવી સરકારે હાઈકોર્ટમાં એવું જણાવ્યું હતું કે, હાલ જે વાલીઓ આ નિયમમાં છ મહિનાની છૂટ માંગી રહ્યા છે તેઓએ યાદ રાખવું જોઈએ કે, ગત્ વર્ષે આ છૂટ આપવામાં આવી હતી. આ વર્ષે છૂટછાટ શકય નથી. વાલીઓએ સરકારનાં નિર્ણય વિરુદ્ધ સ્ટેની પણ માંગ કરી હતી જો કે હાઈકોર્ટે આ માંગ સ્વીકારી ન હતી. હાઈકોર્ટે સરકાર સહિત સૌ પક્ષકારોને નોટિસ આપી, આગામી 24 એપ્રિલ સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે.