Mysamachar.in-સાબરકાંઠા:
ગતરોજ રાજ્યભરમાં પાર્સલ બ્લાસ્ટની ઘટનાએ ચકચાર જગાવી દીધી હતી, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામે પાર્સલ બ્લાસ્ટની ગંભીર ઘટનામાં બે લોકોના તો મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્ત બાળકીઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જો કે આ રીતે બ્લાસ્ટની ઘટના ખુબ ગંભીર કહી શકાય તેને લઈને ઘટના બાદ સ્થાનિક પોલીસ, એફએસએલ સહિતની ટીમો દ્વારા આ ઘટના અંગે બારીકાઇથી તપાસ કરતા કેટલાક ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. અને ખબર પડી કે પ્રેમ પ્રકરણને લઈ બ્લાસ્ટની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો આવ્યો છે. મૃતકની પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપી જયંતી વણઝારાની ધરપકડ કરી છે.
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસ સુત્રો કહે છે કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણને લઈને શરૂ થયો હતો. આ મામલે આરોપી જયંતી વણઝારા 15 દિવસથી બોમ્બ બ્લાસ્ટનું પ્લાનિંગ કરી રહ્યો હતો. તેણે અલગ અલગ રીતે માઇન્સમાં થતાં બ્લાસ્ટ વિશે જાણકારી મેળવી પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં આરોપીને એવું હતું કે, તે જેને રસ્તામાંથી હટાવવા માંગતો હતો તે વ્યક્તિ શારીરિક સશક્ત હતો અને તે પોતે તેને મારી શકતો ન હતો એટલે તેણે આ પ્લાન બનાવ્યો હતો.
ઘટનામાં એક રિક્ષાચાલકે મૃતક જીતુભાઈ વણઝારાના ઘરે એક પાર્સલ ડિલિવર કર્યું હતું. આ પાર્સલ ખોલતા તેમાં એક પ્લગ હતો. આ પ્લગને ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવીને સ્વીચ ચાલુ કરતા જ બ્લાસ્ટ થાય હતો. આ બ્લાસ્ટમાં જીતુભાઈ અને તેમની 12 વર્ષીય દીકરી ભૂમિકા વણઝારાનું મૃત્યુ થયું છે.ઘટનાની જાણ થતાં FSL તથા અમારી BDS ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ કરતા FSL ટીમે જણાવ્યું હતું કે, જે બ્લાસ્ટ થયો તેમાં એમોનિયમ નાઈટ્રેટની હાજરી હતી અને જીલેટિન સ્ટીકનો ઉપયોગ કરાયો હતો.
પોલીસ પૂછપરછમાં જંયતી વણઝારાએ જણાવ્યું હતું કે, તેની પત્ની અને મૃતક જીતુ વણઝારા બંને એક જ ગામના હતા. ઘણા સમયથી તેઓ એકબીજાના પરિચયમાં હતા. જે તેને પસંદ ન હતું. તેથી જીતુ વણઝારાને મારવા માટે બ્લાસ્ટમાં વપરાતી જીલેટિન સ્ટીક અને ડિટોનેટરનો ઉપયોગ કરી તેને રેડિયો જેવા ડિવાઈસમાં જીલેટિન સ્ટીક પ્લેસ કરી હતી અને તેમાંથી વાયર બહાર કાઢ્યો હતો. આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીએ પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના વેપારી પાસેથી જીલેટિન સ્ટીક અને ડિટોનેટર લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી ડિટોનેટર અને જીલેટિન સ્ટીક લીધી હતી તેની પાસેથી આ અંગે સામાન્ય નોલેજ મેળવ્યું હતું. સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટમાં પિતા-પુત્રીના મોત ઉપરાંત અન્ય બે બાળકીઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક 9 વર્ષની અને એક 14 વર્ષની બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.