Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી એક પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી છે. કોસ્ટ ગાર્ડ કહે છે: ગુજરાત ATS દ્વારા આપવામાં આવેલાં ઇનપુટ્સ આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ વર્ષ દરમિયાન આ સાતમી ખેપ પકડાઈ ગયેલી જાહેર થઈ છે.
ગુજરાત ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ આધારે પકડાઈ ગયેલી આ બોટ ભારતીય સમુદ્રમાં પ્રવેશ્યા પછી, કોસ્ટ ગાર્ડ દ્વારા આ બોટનો કબજો લેવામાં આવ્યો છે. બોટમાં અંદાજે 40 કિલો ડ્રગ્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 300 કરોડની કિંમત આંકવામાં આવે છે. આ ઉપરાંત બોટમાં 10 પાકિસ્તાની શખ્સ પણ છે. બોટમાં હથિયારો અને દારૂગોળો હોવાનું પણ જાહેર થયું છે. જો કે તેની વિગતો કોઈ કારણસર જાહેર કરવામાં આવી નથી.
કોસ્ટ ગાર્ડ સત્તાવાળાઓ કહે છે: ચોક્કસ પ્રકારના ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ નાં આધારે કોસ્ટ ગાર્ડ દ્વારા 25 ડિસેમ્બરની મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ફાસ્ટ પેટ્રોલ કલાસ શિપ ‘ અરિંજય ‘ મારફતે આ પાકિસ્તાની બોટને આંતરી લેવામાં આવી હતી. આ ઓપરેશન 26 ડિસેમ્બરે વહેલી સવારે પૂર્ણ થયું હતું. ભારતીય સમુદ્રમાં આ પાકિસ્તાની બોટ ‘ અલ સોહેલિ ‘ શંકાસ્પદ રીતે ઘૂસી હતી, ત્યારબાદ કોસ્ટ ગાર્ડ દ્વારા તેનો પીછો કરવામાં આવેલો અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
ઓપરેશનનાં પ્રારંભે કોસ્ટ ગાર્ડ સત્તાવાળાઓએ આ પાકિસ્તાની બોટને શરણે થવા જણાવેલું પરંતુ પાકિસ્તાની બોટ પૂરપાટ વેગે ભાગવા માંડી ત્યારે ભારતીય એજન્સીએ વોર્નિંગ શોટ તરીકે ફાયરિંગ પણ કરવું પડ્યું. એમ છતાં આ બોટ ભાગતાં કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટને આંતરી લેવામાં આવી હતી. બોટ પર કબજો લેવામાં આવ્યો. બાદમાં પૂછપરછ દરમિયાન પણ આ પાકિસ્તાની શખ્સોએ સહયોગ ન આપ્યો હતો. ત્યારબાદ જોઈન્ટ ઈન્ટ્રોગેશન માટે બોટને નજીકનાં ઓખા બંદરે લાવવામાં આવી છે. જ્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, પાછલાં દોઢ વર્ષ વર્ષ દરમિયાન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા આ સાતમું ઓપરેશન છે. દોઢ વર્ષ દરમિયાન કુલ 44 પાકિસ્તાની, 7 ઈરાનિયન શખ્સ ઝડપાયા છે. કુલ 346 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. જેની કુલ કિંમત રૂ. 1,930 કરોડ અંદાજવામાં આવી છે. અને આ ઉપરાંત દારૂગોળો તથા શસ્ત્રો પણ ઝડપાયા છે.