Mysamachar.in-વડોદરા:
આજના સમયમાં કોઈપણ ચીજવસ્તુઓ ઓનલાઈન મળી શકે છે, સાથે જ આવી ચીજવસ્તુઓ સસ્તી હોવાથી અને ઘરે બેઠા મળી જાય માટે લોકો ઓનલાઈન ખરીદી કરતા થયા છે, ત્યારે આ ઓનલાઈનનો ગેરલાભ લઈને છેતરપીંડી કરનાર તત્વો પણ છે, વડોદરામાં સાઇબર ક્રાઇમે શોપિંગ વેબસાઇટ બનાવી 40થી વધુ લોકો પાસેથી 5 લાખ 35 હજારની છેતરપિંડી કરનાર આણંદ અને વલસાડના બે શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં એક મહિલાને વગર કારણે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે,
વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા અને આઇટી કંપનીમાં એન્જીનિયર તરીકે નોકરી કરતા એક વ્યક્તિએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પત્નીનો મોબાઇલ નંબર કોઇએ શોપિંગ વેબસાઇટ બ્લિઝશોપ. લાઇવ પર કોન્ટેક્ટ નંબર તરીકે મુક્યો છે. જેથી આ વેબસાઇટ પરથી ખરીદી કરી વસ્તુની ડિલિવરી નહીં થતાં ગ્રાહકો તેમના પત્નીને ફોન કરી રહ્યા હતાં. જેથી તેમની હેરાન પરેશાન થઇ ગયા હતાં. ત્યા સુધી કે લોકો તેમના પત્નીને વોટ્સએપ મેસેજ કરીને વસ્તુ કેમ નથી મળી તેવી ફરિયાદ કરતા હતાં. દંપતી લોકોને ફોન પર સમજાવીને થાકી ગયું હતું કે આ તેમનો અંગત નંબર છે અને કોઇ ખોટી રીતે વેબસાઇટ પર આ નંબર મુક્યો છે. જેથી ધવલ પટેલે નેશનલ સાયબર પોર્ટલ પર અરજી કરી હતી.જે બાદ સાઇબર ક્રાઇમે તપાસ કરતા આ વેબસાઇટ ગૌરવ કિરીટભાઇ બ્રહ્મભટ્ટ અને નિકુંજ દવે દ્વારા બનાવી લોકો પાસેથી 5 લાખ 35 હજારની ઓનલાઇન છેતરપિંડી કરી હોવાનુ જાણવા મળ્યું હતું. પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે, અને વધુ તપાસ હાથ ધરી છે.