Mysamachar.in-વડોદરા:
આજના સમયમાં સામેવાળી વ્યક્તિ પર જો આંધળો વિશ્વાસ કરી લેવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, વાત એવી છે કે આજના સમયમાં કોણ પણ હોદાની ઓળખ ધારણ કરી કોઈની પણ સાથે છેતરપીંડી થઇ શકે છે, એવામાં બ્લેક ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી 30 લાખ પડાવનાર 4 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી આ ષડયંત્ર આંતરરાજ્ય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,અમદાવાદના વેપારી નરેન્દ્ર પ્રજાપતિએ ફરિયાદ કરી હતી કે આ શખ્સો પૈકી ભરત જગુભાઇ ગીડાએ અને મહેશ વાળાએ ત્રણ માસ પહેલાં હાઇવે પર આવેલી એક હોટલ ખાતે બોલાવ્યા હતા. સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેક્ટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રા સાહેબના પીએ રાજુભાઇ તરીકે ઓળખ આપી હતી અને કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને સસ્તા ભાવે આપવાની વાત કરી વેપારીને 1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી.
વેપારીને વિશ્વાસમાં લેવા માટે 7 લાખના અસલ ડોલરનું બંડલ આપ્યું હતું અને વેપારી પાસેથી નાણાં પડાવવા માટે 30 લાખ સુધીની મદદ ભરત ગીડા કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીને હોટલ રોયલ કિંગ ખાતે બોલાવી ભરત ગીડાએ 30 લાખ આપવાનો ડોળ કર્યો હતો અને વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ સિક્યોરિટી પેટે બાકીના રૂપિયાના 2 કોરા ચેક આપ્યા હતા અને 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને 4ને પકડી લીધા હતા.પોલીસે ભરત સાવરકુંડલાના ત્રણ શખ્સો જગુભાઇ ગીડા, મહેશ ઓધડભાઇ વાળા, ઇમરાન દીનમહમંદ ભુરાની, જયારે મુંબઈના સાહીદ હનીફ નાવડેકરને ઝડપી અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ આંતરરાજ્ય ષડ્યંત્ર છે કે કેમ, અન્ય કોણ સામેલ છે, કઇ હોટલમાં તમામે ભેગા મળી કાવતરું રચ્યું હતું, ક્યાંથી ડોલર લાવ્યા હતા અને અન્ય કોને કોને આ પ્રકારે ઠગ્યા હતા તથા ઉપયોગમાં લેવાયેલાં વાહનો અને 30 લાખ રોકડા જપ્ત કરવાની દિશામાં તપાસ શરૂ કરી હતી. કોને કેટલી રકમ મળી તેની પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.