Mysamachar.in:જામનગર
નકસલી હિંસાગ્રસ્ત રાજય છત્તીસગઢમાં એક FIR દાખલ થાય છે. પછી ગણતરીના સમયમાં કેન્દ્રીય દરોડા એજન્સી ED આ પ્રકરણમાં ઝૂકાવે છે અને રૂ. 417 કરોડની સંપત્તિઓ જપ્ત કરે છે. અને એવું પણ જાહેર થાય છે કે, આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર શખ્સે ગત્ ફેબ્રુઆરીમાં દૂબઈ ખાતે પોતાના લગ્ન સમારોહમાં રૂપિયા 200 કરોડનો ખર્ચ કરી, દેશના કોર્પોરેટ ગૃહોને વૈભવી લગ્નોની બાબતમાં ઝાંખા પાડી દેતાં ED ને પણ અચરજ થયું ! અને, એક સમાચાર એજન્સીનો સ્ફોટક અને વિગતવાર અહેવાલ કહે છે કે, આ આખા કૌભાંડમાં રૂપિયા 112 કરોડનો હવાલો જે ખાનગી કંપનીના એકાઉન્ટમાં પડયો છે તે કંપનીનું સરનામું જામનગરનું છે. આ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ જામનગરમાં છે !?
EDએ આ હવાલાકાંડ અનુસંધાને દેશનાં ભોપાલ, મુંબઈ અને કોલકત્તા સહિતના 39 સ્થળોએ તપાસ લંબાવી ત્યારે બહાર આવ્યું કે, આ આખું કૌભાંડ હજારો કરોડનું છે અને તે મહાદેવ એપ નામની ઓનલાઇન બેટિંગ એપ મારફત ચલાવવામાં આવતું હતું. આ કાળું ધન આતંકવાદી ગતિવિધિઓમાં પણ ક્યાંક જતું હોય એવું પણ ચર્ચાઈ રહ્યું છે ! એક શકયતા એવી છે કે, આ ધન ઈસ્લામિક આતંકવાદને સહયોગ આપતું હોય અને એક શક્યતા એવી છે કે, આ નાણું ભારતના નકસલી રાજયો છત્તીસગઢ તથા ઝારખંડ જેવા રાજયોમાં જતું હોય શકે.
ઈન્ટરપોલ નામની વૈશ્વિક પોલીસ એજન્સીએ આ કૌભાંડના અનુસંધાને બે શખ્સો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કર્યાનું કહેવાય છે. અને એવા પણ અહેવાલો છે કે, EDએ આ પ્રકરણમાં ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ મનાતો સૌરભ ચંદ્રાકર એક જમાનામાં છત્તીસગઢના એક શહેરમાં રોડ પર જ્યૂસ વેચતો હતો ! અને તેણે પોતાના મેરેજમાં રૂપિયા 200 કરોડનો ખર્ચ કર્યો ! અને એ પણ દૂબઈમાં ! જયાં દુનિયાભરના તોફાની તત્ત્વો વિવિધ ગેરકાનૂની ગતિવિધિઓ કરે છે. અને આતંકીઓને પણ મદદ કરે છે. સૌરભે પોતાના મેરેજની ઈવેન્ટનું પ્લાનિંગ જે શખ્સને સોંપ્યુ હતું તેની કંપની અમદાવાદમાં નોંધાયેલી છે અને આ કંપનીનું રજિસ્ટ્રેશન સરનામું જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં નોંધાયેલું હોવાનું સૂત્ર કહે છે. આ ઈવેન્ટ મેનેજમેન્ટ પ્લાનર મુંબઈ ખાતે રહે છે જેનાં પિતા રાજકોટના જાણીતા હોટેલિયર છે. આ પ્લાનર જામનગરમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં પણ કાર્યરત હોવાનું સમાચાર એજન્સી જણાવે છે.
ઓનલાઇન જૂગારના સૂત્રધાર સૌરભ ચંદ્રાકરે જામનગરમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવતાં આ શખ્સને રૂપિયા 112 કરોડ હવાલાથી મોકલ્યા હતાં એવું EDએ જાહેર કર્યું છે એમ એક સમાચાર એજન્સીનો અહેવાલ કહે છે. લગ્નના આયોજનમાં મોકલવામાં આવેલા નાણાંમાંથી દૂબઈ ખાતે લગ્ન પ્રસંગ માટે એક હોટેલ બુક કરવામાં આવેલી જેના રૂપિયા 42 કરોડ હોટેલને ચૂકવવામાં આવ્યા છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં સન્ની લિયોન નાચી હતી. નેહા કકકરે પર્ફોમન્સ આપ્યું હતું. બોલિવૂડની ઘણી હસ્તીઓ આ જાજરમાન લગ્ન સમારોહમાં શરીક હતી.
આ વેડિંગ પ્લાનરની રજિસ્ટર્ડ ઓફિસ જામનગરમાં હોય, એમ પણ કહેવાય છે કે, વિવિધ એજન્સીઓ આ અંગે જામનગરમાં પણ તપાસ કરી રહી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. આ હવાલાકાંડ સંદર્ભે કેટલાંક કુરિયર ધંધાર્થીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસ આ કૌભાંડની તપાસમાં ઝૂકાવે એ પણ શક્ય છે. હાલ આખો મામલો ED હસ્તક છે. દરમિયાન, એવા અહેવાલો બહાર આવી રહ્યા છે કે, આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર પર જોખમ છે. પરંતુ પોલીસને એવી શંકા છે કે, ડી-ગેંગ સૌરભને પ્રોટેક્શન પૂરું પાડી રહી છે !