Mysamachar.in: હિંમતનગર
ગુજરાતમાં વિવિધ ધોરીમાર્ગ પર અકસ્માતોમાં લોકોના લોહી રેડાઈ રહ્યા છે, ખાસ કરીને કારના અકસ્માત વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ધોરીમાર્ગો પર મોટરો બેફામ દોડતી હોય છે. અને આપણાં ધોરીમાર્ગો ડિઝાઇનની દ્રષ્ટિએ પણ ખાસ સલામત હોતાં નથી. સલામતીના ધોરણોનું પાલન આપણે ત્યાં ગંભીર કે સંવેદનશીલ વિષય લેખવામાં આવતો નથી. બીજી તરફ વાહનચાલકોની બેદરકારીઓના કિસ્સાઓ આપણે ત્યાં રોજિંદી બાબત બની ગઈ છે !

રાજ્યના વધુ એક ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો ભોગ લેવાયો છે. આ પરિવાર ડોક્ટર પરિવાર હોવાનું બહાર આવ્યું છે. ઈડર ધોરીમાર્ગ પર થયેલાં આ અકસ્માતમાં જાણવા મળે છે કે, કારમાં સવાર આ હતભાગી પરિવાર એક બર્થ ડે પાર્ટીમાંથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

જ્યાં અકસ્માત થયો એ વિસ્તારમાં ધોરીમાર્ગ સમારકામ કામગીરીઓ ચાલી રહી છે. આ વિસ્તારમાં એક જ સપ્તાહમાં આ પાંચમો અકસ્માત છે. સમારકામ કામગીરીઓ ધીમી ચાલી રહી હોય, લોકોએ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ રોષ પણ વ્યક્ત કર્યો છે. આ અકસ્માત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઈડર ધોરીમાર્ગ પર સર્જાયો છે. અકસ્માત સર્જનાર ટ્રક બેફામ દોડી રહ્યો હતો એવું જાણવા મળે છે. આ અકસ્માતમાં ઘવાયેલા અને મૃતકોના નામો હજુ જાહેર થયા નથી.
