Mysamachar.in-વડોદરા
હજુ તો એક સપ્તાહ પૂર્વેની જ વાત છે જેમાં પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ ઘરમાં જ ખાડો ખોદી અને દાટી દીધી હતી, અને માથે અગરબતી કરીને ફરાર થઇ ચૂક્યાની ઘટના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સામે આવી હતી, ત્યારે આવો જ વધુ એક ચોકાવનારો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, જ્યાં કપાતર પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહને કચરામાં સળગાવ્યાની હચમચાવી દે તેવી ઘટનાનો પર્દાફાશ થયો છે,
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક કપાતર પુત્રએ પોતાની સગી માતાની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં તેણે હત્યા કર્યા બાદ કચરાના ઢગમાં માતાની લાશની સળગાવી અને ત્યાં જ ઊભા રહીને ૐ નમઃ શિવાયના જાપ કર્યા હતા. અંબિકા નગરમાં રહેતા દિવ્યેશ સરદારસિંહ બારિયા નાનપણથી પિતાની છત્રછાયા વગર માતાના ઉછેરમાં મોટો થયો હતો. 28 વર્ષના આ દિવ્યેશે 6 વર્ષની ઉંમરે જ બાપ ગુમાવી દીધો હતો. જોકે, વર્ષ 2011માં તેની માતા ભીખીબહેનનું અકસ્માત થતા એક હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા.
દરમિયાન સોમવારે રાત્રે કોઈ પણ કારણોસર દિવ્યેશે તેની સગી માતા પર હુમલો કર્યો હતો. કાચના ટૂકડાંના ઊપરાછાપરી ઘા કરતા દિવ્યેશની માતા ભીખી બહેનનું મોત નીપજ્યું હતું. જોકે, આટલાથી ન અટકતા આ નરાધમે ઘરના બખોલમાંથી માતાની લાશને કચરાના ઢગમાં ફેંકી દીધી હતી. કચરાના ઢગમાં માતાની લાશ પાસે ઊભી અને તેણે ‘ૐ નમઃ શિવાય’ના જાપ કર્યા અને બાદમાં ઘરે જતો રહ્યો હતો. જોકે, વહેલીસવારે પાડોશીઓને શંકા જતા આવતા તેમણે પોલીસને જાણ કરતી હતી. મૃતદેહની ઓળખ થતા પોલીસે દિવ્યેશની અટકાયત કરી હતી. પોલીસને કરેલી પ્રાથમિક કબૂલાતમાં દિવ્યેશે માતાની હત્યા કરી અને કચરાના ઢગમાં લાશ સળગાવી દીધી હોવાનો એકરરાર કર્યો છે.

























































