Mysamachar.in-વડોદરા:
સોશિયલ મીડિયાના ગ્રૂપ અને પેઇજમાં જોઇન થયા બાદ મહિલાઓની પ્રોફાઇલોમાંથી નંબર શોધી 50 જેટલી મહિલાઓને બિભત્સ ફોટા-મેસેજ મોકલી બિભત્સ માગ કરનાર એક શખ્સને વડોદરા પોલીસે ખાવડી નજીકથી ઝડપી પાડ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં વસવાટ કરતી એક પરિણીતાના ફોન પર ન્યૂડ ફોટા, પોર્ન ક્લિપો મોકલી તથા અભદ્ર મેસેજો કરી પરેશાન કરનારા શખ્સ સામે પરિણીતાના પતિએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમેં ઊંડાણપૂર્વકની તપાસ કરી અને આ શખ્સને જામનગરથી ઝડપી લીધો હતો.
વડોદરાના ભાયલીમાં રહેતા યુવકે પોલીસને જણાવ્યું કે ગત 8 નવેમ્બરે રાત્રે તેમની પત્નીના ફોન પર અજાણ્યા નંબર પરથી અભદ્ર મેસેજ તેમજ ન્યૂડ ફોટા-પોર્ન ક્લિપ મોકલાઈ હતી. જેથી તેમણે તે નંબર પર ફોન કરતાં સામેવાળાએ અભદ્ર ભાષામાં વાત કરી હતી. તે નંબર પરથી બે માસથી બીભત્સ મેસેજો-ક્લિપો આવી રહ્યા હતા. તેમણે સમજાવવાનો પ્રયાસ કરતાં સામેવાળી વ્યક્તિએ અપશબ્દો બોલી મેસેજમાં પણ અપશબ્દો લખી મોકલ્યા હતા.અને આ મામલે ફરિયાદ નોંધાઈ હતી,
સાઇબર ક્રાઇમ પોલીસને આ શખ્સ જામનગર પાસેના મોટી ખાવડી પંથકમાં સક્રિય હોવાનું જણાયું હતું. જેથી પોલીસની ટીમે જામનગર પહોંચી શખ્સને ઝડપી લીધો હતો. તેનું નામ મુકેશ લલ્લનસિંગ સિંગ હોવાનું અને તે મૂળ યુપીનો અને થોડા સમયથી જામનગરની કંપનીમાં મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ મુકેશસિંહ સોશિયલ મીડિયાના ગ્રૂપ અને પેઇજમાં જોઇન થયા બાદ પ્રોફાઇલોમાંથી નંબર શોધી 50 મહિલાને બિભત્સ ફોટા-મેસેજ મોકલી બિભત્સ માગ કરી હતી.
વડોદરા પોલીસે મુકેશને વડોદરા લાવ્યા બાદ અને તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, તેના ફોનમાંથી મોટી સંખ્યામાં પોર્ન ક્લિપો-વીડિયો મળ્યા હતા અને તે વિકૃત માનસિકતા ધરાવતો હતો. તેણે સોશિયલ મીડિયા પરથી નંબર મેળવ્યા બાદ મહિલા સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેણે પ્રતિસાદ ન આપતાં ઉશ્કેરાયેલા મુકેશે પોર્ન ક્લિપો-ન્યૂડ ફોટા મોકલી હેરાન કરવાનું શરૂ કર્યું હતું.આમ કેટલીય મહિલાઓને છેલ્લા કેટલાય સમયથી આ રીતે પરેશાન કરતો શખ્સ આખરે પોલીસના સકંજામાં આવી ચુક્યો છે.