Mysamachar.in:ગાંધીનગર
રાજ્યમાં હજારો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સહિતની સંખ્યાબંધ ચૂંટણીઓ OBC મુદ્દા સંબંધે સરકારે લાંબા સમયથી પાછી ઠેલી રાખી છે. રાજ્યમાં વહીવટદારોનું રાજ છે ! આ વિષયમાં એક રિપોર્ટ લાંબા સમયથી સરકાર સમક્ષ પેશ થતો ન હતો પરંતુ બુધવારે કોન્ગ્રેસ દ્વારા રાજ્કીય ખેલ પાડવામાં આવ્યો, સરકાર ફિકસમાં મૂકાઈ ગઈ અને ગુરૂવારે, લાંબા સમયથી પડતર આ રિપોર્ટ, નિવૃત્ત જજે સરકારને સોંપી દેવો પડ્યો ! આ આખો ઘટનાક્રમ બિટવીન ધ લાઇન્સ ઘણું સમજાવી જાય છે.
હાઈકોર્ટના નિવૃત્ત જજ કે.એસ.ઝવેરી કાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે પહોંચ્યા હતાં. અને, તેઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ દરમિયાન OBC અનામત મામલે, તેઓએ તૈયાર કરેલો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો. આ તપાસપંચની રચના સરકારે ગત્ જૂલાઈમાં કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાનો પ્રકાર અને તેનાં અમલીકરણ અંગેનાં ડેટાનું આ તપાસપંચે એનાલિસિસ કરવાનું હતું. મુખ્યમંત્રીએ આ રિપોર્ટ સામાજિક ન્યાય વિભાગ અને પંચાયત વિભાગને આપ્યો છે અને નિર્દેશ આપ્યો છે કે, આ રિપોર્ટનો પ્રાથમિક પરંતુ ડિટેઈલ અભ્યાસ કરવામાં આવે. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, સરકાર આ રિપોર્ટની ભલામણો સ્વીકાર કરશે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓમાં આ ભલામણોને લાગુ કરશે.
સરકારનાં વિભાગો આ રિપોર્ટની ભલામણોનો અભ્યાસ કરી લ્યે પછી સરકાર આ ભલામણો સ્વીકારવામાં આવી છે એવી ઔપચારિક જાહેરાત કરશે અને એ અંગેનો નિર્ણય જાહેર કરશે. પંચાયતોની ચૂંટણીઓમાં OBC કવોટા નક્કી કરવા આ ભલામણોનો સ્વીકાર કરવો જરૂરી બને છે. કેમ કે, આ અગાઉ સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓમાં OBC અનામત લાગુ કરવી આવશ્યક છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જૂલાઈ-2022નાં જાહેરનામાં થી સરકારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં OBC અનામત રદ્ કરી દીધી હતી.
ઝવેરી પંચનાં આ રિપોર્ટની ભલામણોનો સ્વીકાર રાજકીય રીતે મહત્વનો છે કેમ કે, ગ્રામ પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં બધાં જ રાજકીય પક્ષો OBC ઉમેદવારોને નોંધપાત્ર પ્રમાણમાં ચુંટણી લડાવતા હોય છે. અત્રે એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં કોન્ગ્રેસનાં નેતાઓ આ રિપોર્ટ મુદ્દે રાજ્યપાલને મળ્યા હતાં અને આવેદનપત્ર આપ્યું હતું તે પછીના 24 કલાકમાં આ રિપોર્ટ મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો ! જે રિપોર્ટ લાંબા સમયથી સરકારને સોંપવાની વાત પડતર પડી હતી. કોન્ગ્રેસના જણાવ્યા પ્રમાણે, આ રિપોર્ટ સરકારને સોંપવામાં વિલંબ થતાં રાજ્યમાં 7,100 ગ્રામ પંચાયત – 2 જિલ્લા પંચાયત – 18 તાલુકા પંચાયત તથા 75 નગરપાલિકાઓની ચૂંટણી વિલંબમાં પડી છે. આ મુદ્દે બુધવારે કોન્ગ્રેસનાં નેતાઓએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું.