Mysamachar.in-અમદાવાદ:
અત્યાર સુધી બેંકોમાં રહેલાં બચત ખાતા અને FD એકાઉન્ટમાં એક નોમિની નીમવાની પ્રથા અમલમાં છે, પરંતુ આગામી સમયમાં એકાઉન્ટધારક 1 ને બદલે 4 નોમિની રાખી શકશે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક કાલે શુક્રવારે યોજાઈ હતી, જેમાં આ સુધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, હવે કોઈ પણ બેંક એકાઉન્ટધારક પોતાના સીધાં વારસદારને પ્રથમ નોમિની તરીકે અને અન્ય 3 વ્યક્તિઓને પણ વધારાના 3 નોમિની તરીકે રાખી શકશે.આ નિર્ણય ગ્રાહકલક્ષી પૂરવાર થશે.
શુક્રવારની આ બેઠકમાં બેંક સંબંધિત કુલ 6 નિયમોમાં સુધારાઓ કરવામાં આવ્યા. જો કે, નિયમ અનુસાર, આ અંગેનું બિલ નાણાંમંત્રી દ્વારા સંસદમાં મૂકવામાં આવશે, ત્યારબાદ આ સુધારાઓ અમલી બનશે. હાલ જો કે સરકાર અને અધિકારીઓ આ સંભવિત બિલની જોગવાઈઓ અંગે મૌન સેવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલ વિવિધ બેંકોમાં રૂ. 78,000 કરોડની રકમ એવી પડી છે, જે અંગે કોઈ પણ બેંક ખાતેદાર અથવા તેમના નોમિની દ્વારા આ રકમ અંગે કોઈ જ દાવાઓ કરવામાં આવ્યા નથી. એટલે કે આ તમામ નાણું બેંકમાં એમ ને એમ, નધણિયાતું પડ્યું છે. આ અંગે થોડાં સમય અગાઉ નાણાંમંત્રાલય દ્વારા ટીપ્પણીઓ પણ થઈ હતી. આ ઉપરાંત સહકારી બેંકોમાં 10 વર્ષ માટે ડાયરેક્ટરની નિયુક્તિ અંગે પણ મોટો ફેરફાર આવી રહ્યો હોવાનું સૂત્ર જણાવે છે.(ફાઈલ ઈમેજ સોર્સ ગુગલ)