Mysamachar.in:જામનગર
ખનિજચોરી જામનગર અને દ્વારકા જિલ્લાઓ સહિત રાજ્યભરમાં મોટું દૂષણ છે. જે કાળાં નાણાંના બેફામ સર્જન અને ભ્રષ્ટાચારને પોષે છે. અને તેની અસરોથી સ્થાનિક રાજકારણ અને સમાજકારણ પણ બાકાત રહી શકતાં નથી. આથી ગુજરાત સરકાર ખનિજચોરીને અટકાવવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેફામ ખનિજચોરી સરકારની મહેસૂલી આવકમાં પણ મોટું ગાબડું પાડી રહી છે અને આ ખનિજચોરીને કારણે રાજ્યભરમાં માફિયાગીરીનો વ્યાપ પણ વધી રહ્યો છે.
ગુજરાત સરકારે 28મી જૂલાઈએ જામનગર સહિતની રાજયભરની ભૂસ્તરશાસ્ત્રી કચેરીઓને એક પરિપત્ર પાઠવ્યો છે. આ પરિપત્ર ખાણખનિજ વિભાગની ગાંધીનગર કચેરીએ જારી કર્યો છે. ખાણખનિજ વિભાગનાં રાજ્યનાં કમિશનર ડો. ધવલ પટેલ ખનિજચોરીને ડામી દેવા સતત પગલાં ભરી રહ્યા છે. તેઓની સૂચના અનુસંધાને, રાજ્યમાં ખનિજનું ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા ધ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એકટ-1957ની જોગવાઈઓનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને આ એકટની જોગવાઈ અનુસાર, જામનગર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાં લીઝ રિલેટેડ તમામ વાહનોનું ઈન્ટીગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. નોંધણી પામેલાં આ તમામ વાહનોમાં વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરીંગ સિસ્ટમ લગાડી દેવામાં આવશે. આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં, ખનિજ પરિવહન કરી રહેલાં તમામ વાહનોની આ સિસ્ટમમાં નોંધણી ફરજિયાત કરાવવાની રહેશે.
GPS બેઈઝડ આ સિસ્ટમ બાદ સરકારે અધિકૃત કરેલાં મોડેલ કે એજન્સી મારફત તમામ વાહનોમાં આ સિસ્ટમ બેસાડવાની રહેશે. 30 સપ્ટેમ્બર સુધીમાં દરેક લીઝધારકો, સ્ટોકધારકો, પરમિટ હોલ્ડર અને વેબ્રિજધારકોએ આ પરિપત્ર મુજબ નોંધણી કરાવી લેવાની રહેશે. પરિપત્રનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો છે. જે વાહનોની 30 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમમાં નોંધણી થશે નહીં, તે વાહનોનો ઉપયોગ લીઝધારકો કે સ્ટોકધારકો અથવા ટ્રાન્સપોર્ટ કંપનીઓ ખનિજ પરિવહન માટે કરી શકશે નહીં. આ વાહનોને આ કામ માટે અમાન્ય ઠરાવી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં ઓછામાં ઓછાં હજારેક વાહનો એવાં છે જે ખનિજ પરિવહન સાથે સંકળાયેલા છે. જેમાં અન્ય જિલ્લાનાં વાહનોનો પણ સમાવેશ થાય છે. આ પરિપત્ર આ પ્રકારના તમામ વાહનોને લાગુ પડે છે.