Mysamachar.in:ગુજરાત:
બે દિવસ અગાઉ બોર્નવિટા કંપની અંગેનો વિવાદ ઉઠ્યા બાદ હવે નેસ્લે કંપનીની પ્રોડક્ટનો વિવાદ શરૂ થયો છે. એમ બહાર આવ્યું છે કે, આ કંપની ફ્રાન્સ અને જર્મની સહિતના વિકસિત દેશોમાં સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ વેચે છે અને ભારત સહિતના એશિયા અને આફ્રિકાના દેશોમાં કેટલાંક ઉત્પાદનો નબળી કવોલિટીઝના વેચે છે. કંપની પોતાના આ પ્રકારના ઉત્પાદનોની વિગતો છૂપાવે પણ છે. આ આરોપ લાગતાં કંપનીનો શેર પણ આજે બજારમાં તૂટ્યો છે.
આ કંપનીના સેરેલેક ઉત્પાદનોમાં ભારત જેવા દેશોમાં સુગર અને મધનું પ્રમાણ વધુ જોવા મળે છે, એવો આરોપ છે. આ કારણથી સેરેલેક ખાતાં બાળકોમાં મીઠાઈ વધુ ખાવાની કુટેવ વિકસે છે. આ કારણથી બાળકમાં સ્થૂળતા અને ક્રોનિક રોગોનું આગમન થાય છે. આ આરોપ ખૂબ જ ગંભીર અને ચિંતાપ્રેરક છે. કંપની આવી વિગતો એટલે કે સેરેલેકમાં સુગરના પ્રમાણ અંગે ભારતમાં મૌન રહે છે. સેરેલેકમાં અન્ય વિટામિન સહિતના ઘટકોની જાહેરાત કરે છે, સુગરનું પ્રમાણ જાહેર કરતી નથી. અન્ય વિકસિત દેશોમાં સેરેલેકમાં સુગરના પ્રમાણ અંગે કંપની વિગતો આપે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કંપનીની મેગી પ્રોડક્ટ પણ અગાઉ વિવાદમાં સપડાઈ હતી.
એક અભ્યાસ કહે છે, કંપની વિકસિત દેશોમાં સુગર ફ્રી બેબી સેરેલેક પ્રોડક્ટ વેચે છે, ભારતમાં જેવા દેશમાં આ પ્રોડક્ટ્સ માં 3 ગ્રામ સુગર ઉમેરે છે. થાઈલેન્ડ જેવા દેશોમાં કંપની આ પ્રોડક્ટ્સમાં સુગરનું પ્રમાણ 6 ગ્રામ કરી નાંખે છે. સુગર માણસના એટલે કે બાળકના આરોગ્યને કેટલી હાનિ પહોંચાડે તે સૌ જાણે જ છે. આ વિવાદ જાહેર થતાં ભારતીય શેરબજારમાં આજે કંપનીની નેટવર્થમાં અઢી લાખ કરોડ જેટલો ઘટાડો જોવા મળતાં રોકાણકારોમાં ચિંતાઓ વ્યાપી ગઈ હતી.
દરમિયાન, નેસ્લે કંપનીના પ્રવક્તાનું નિવેદન આવ્યું છે. તેઓ કહે છે, પાછલાં પાંચ વર્ષ દરમિયાન કંપનીએ ભારતમાં પોતાના બેબી સેરેલેક ઉત્પાદનમાં સુગરનું પ્રમાણ અંદાજે 30 ટકા ઓછું કર્યું છે. અમો હાલ પણ ઉત્પાદનની સમીક્ષા કરી રહ્યા છીએ અને જરૂર પડ્યે આ ઉત્પાદન માટે નવી ફોર્મ્યુલા બનાવીશું. દરમિયાન, બજાર વર્તુળ કહે છે: કંપનીના ઉત્પાદનની હેલ્થ પર અસરો અને તેનાં પોષક તત્વોના ફાયદાનો આખો મુદ્દો આમ અચાનક સ્કેનર હેઠળ આવી જતાં ભારે ચકચાર જાગી છે.
આ કંપની ભારતમાં મિલ્ક પાવડર, મિલ્ક પ્રોડક્ટ, ચોકલેટ, બેબી સેરેલેક પાવડર, બિવરેજિસ સહિતની ચીજોનું મોટાપાયે વેચાણ કરે છે. કંપનીનો ભારતીય બિઝનેસ અબજો રૂપિયાનો છે. ખાદ્ય પદાર્થોની કવોલિટીઝ પર દેખરેખ રાખતી એક વેબસાઇટ દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા બાદ કંપનીની ભારતીય બ્રાંચ હાલ મોટા વિવાદનો સામનો કરી રહી છે.