Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં 108 એમ્બુલન્સની સેવા છેલ્લા કેટલાય વર્ષોથી છે જેનો લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે હવે 108 ડાયલ કર્યા વિના જ નજીકની એમ્બ્યુલન્સને સ્થળ પર બોલાવી શકાય તે માટે ત્રણ ભાષાઓ ધરાવતી એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 108 એમ્બ્યુલન્સની એપ લોન્ચ કરી છે. આ એપ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં વાપરી શકાશે. આ એપનો ઉપયોગ કરનારા નાગરિકો અકસ્માતના સમયે ફોન કર્યા વગર એપ દ્વારા નજીકમાં રહેલી 108 એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવી શકશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા 800થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રિસપોન્સ ટાઇમ સરેરાશ 16 મિનિટનો કર્યો છે. 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઈલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વધુમાં ઋષિકેશ પટેલે 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી, સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા 108ની એમબ્યુલન્સને જ યાદ કરે છે. 108 એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં સમય પ્રમાણે જરુરી સુધારા-વધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથેના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે.
કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની લેટ-લોંગ સહિત સચોટ માહિતી માહિત ગૂગલ-મેપથી લાઈવ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે. 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.
108 સીટીઝન મોબાઈલ એપમાં 7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે. રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
ધટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઈ શકશે.