Mysamachar.in:ગાંધીનગર
ઘણાં લાંબા સમયથી સરકાર અને શિક્ષકો વચ્ચે બદલીઓના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. હવે આ વિવાદનો અંત આવ્યો છે. સરકારે શિક્ષકોને રાજી કરી દીધાં છે અથવા તો રાજી કરી લીધાં છે. બંને પક્ષો વચ્ચે સહમતી સધાઈ ચૂકી હોય, આ ઉનાળુ વેકેશનમાં જ રાજ્યના હજારો શિક્ષકોને બદલી કેમ્પનો લાભ મળી જશે. ખુદ શિક્ષણમંત્રી આ જાહેરાત કરી ચૂક્યા છે અને આજે ઠરાવ પણ થઈ જશે, એમ માનવામાં આવે છે.
જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં લાંબા સમયથી પ્રાથમિક શિક્ષકોની બદલીઓ રોકાઈ ગયેલી જેને પરિણામે હજારો શિક્ષકો નારાજગી અને રોષ તથા અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતાં. ત્યારબાદ શિક્ષક સંઘોની માંગણીઓના અનુસંધાને સરકાર અને સંઘો વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો. આ બેઠકોમાં બદલીઓ અંગેનાં નિયમોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા. નિયમોમાં રહેલી વિસંગતતાઓ પણ દૂર કરવામાં આવી. અને નવા નિયમો પણ બનાવી લેવામાં આવ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે. અને, આ માટે આજે ઠરાવ પણ થઈ જશે, એમ પણ કહેવાય છે. જો કે હજુ સુધી આ મુદ્દે શિક્ષક સંગઠનો તરફથી કોઈ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.
સરકાર પક્ષે સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, શિક્ષકોની બદલીઓ માટેનાં કેમ્પનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે. આ ઉનાળુ વેકેશનમાં જ બદલી કેમ્પ યોજાઈ જશે. જિલ્લા ફેર, તાલુકા ફેર અને અરસપરસ બદલીઓનો અંદાજે 30,000 શિક્ષકોને લાભ થશે. આ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. જો કે, આ અંગેની સત્તાવાર જાહેરાત ઠરાવના માધ્યમથી આજે સાંજ સુધીમાં થશે એમ સૂત્રો જણાવે છે.