Mysamachar,in-રાજકોટ:
રાજ્યમાં લેવાતી સરકારી પરીક્ષાઓ તો છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદોમાં આવી રહી છે, અને આ વર્ષે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સૌરાષ્ટ્રમાં બોગસ રીસીપ્ટ અને ડમી વિદ્યાર્થીઓનું કાંડ સામે આવ્યું છે, ત્યારે હવે ધોરણ-10 અને ધોરણ-12ના બોર્ડની પરીક્ષાઓની ઉત્તવહીઓની ચકાસણી કરીને પરીણામ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ થશે. આ માટે અલગ અલગ સેન્ટરોમાં પેપરો તપાસવા મોકલવામાં આવતા હોય છે.
ત્યારે રાજકોટના વીરપુર નજીક વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. ઓવરબ્રિજ પરથી સંભવતઃ ધોરણ-10 અને ધોરણ-12ની ઉત્તરવહીઓ રઝળથી પડેલી જોવા મળી છે. જે બાદમાં અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે, ઉત્તરવહીઓ મળવા બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
વીરપુર પાસેના એક બ્રિજ પર બોર્ડની ઉત્તરવાહીઓ રસ્તા પર પડી હોવાનું માલુમ પડ્યું છે. આ ઉત્તરવહીઓ મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ઉત્તરવહીઓ અહીં કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે અહીં લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.વીરપુરમાંથી ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની ઉત્તરવાહી રસ્તા પર પડી હોવા મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું હતું કે, આ મામલે બેદરકારી દાખવનાર કર્મચારી અને અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

























































