Mysamachar.in-જામનગર:
આગામી 22મી એ માતાજીની આરાધનાની ‘નવ’રાત્રિનો મંગલ પ્રારંભ થઈ જશે. પરંતુ એ પહેલાં નવરાત્રિ મહોત્સવ માટેની ઓનલાઈન મંજૂરી અને આવશ્યક તથા ફરજિયાત નિયમોની યાદી એટલી વિસ્તૃત છે કે, આ મહોત્સવના આયોજકોમાં સન્નાટો છવાઈ જાય. અને એમાંયે જો કોઈ દ્વારા નિયમભંગ થયો તો, જોવા જેવી થશે.
જામનગર મહાનગરપાલિકાએ આજે જાહેરાત કરી કે, નવરાત્રિ દરમ્યાન હજારો લોકો આ મહોત્સવ માણવા આવતાં હોય છે. સૌની સલામતી મહત્વપૂર્ણ બાબત છે. આ માટેના મંડપ, પંડાલ કે હંગામી સ્ટ્રક્ચરમાં કાંઈ પણ અમંગલ ન બને તેની કાળજી રાખવા સરકારે નિયમાવલી જાહેર કરી છે અને તેનું પાલન કરી, સરકારમાં ઓનલાઈન અરજી દ્વારા ફાયર સેફટી અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
નવરાત્રિ ઉત્સવના સ્થાન પર ફાયરનું વાહન આવી શકે તેટલી જગ્યાઓ રાખવા સહિતની પુષ્કળ સૂચનાઓ આપવામાં આવી છે. ઈલેક્ટ્રીક સાધનો, સળગી ઉઠે તેવા પદાર્થો, આવનજાવનના રસ્તાઓ, નિશ્ચિત બેઠક વ્યવસ્થાઓ વગેરે બાબતોમાં સૌએ ખૂબ જ કાળજી લેવાની રહેશે. સંપૂર્ણ નિયમાવલીનું ચુસ્ત અને ફરજિયાત પાલન કરવાનું રહેશે.
આ ઉત્સવના હંગામી સ્ટ્રક્ચરને એક વખત ફાયર વિભાગની મંજૂરીઓ મળી જાય પછી તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર ફાયર વિભાગને પૂછ્યા વગર થઈ શકશે નહીં. ઓનલાઈન મંજૂરીઓની પ્રોસેસમાં બધાં નિયમોની જાણકારીઓ આપવામાં આવી છે. દરેક જગ્યાઓ પર આગ ઠારવા માટેનો પાણીનો નિયત જથ્થો પણ રાખવાનો રહેશે. ઈલેક્ટ્રીક સંબંધે જરૂરી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. બેઠક વ્યવસ્થાઓ, આવવા જવાની વ્યવસ્થાઓ, દરવાજા વગેરે બાબતો માટે બધાં જ નિયમોનું પાલન કરવાનું રહેશે.
આગ સલામતી માટે ભારત સરકાર તથા ગુજરાત સરકારના બધાં જ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જો કયાંય પણ, કોઈ પણ નિયમનો ભંગ થયો અને ન બનવાનું બની ગયું તો- એવા સંજોગોમાં મંડપ સંચાલક, આયોજક, ઓર્ગેનાઈઝર, મેનેજર વગેરેની સંપૂર્ણ જવાબદારીઓ રહેશે. JMC તરફથી DMC દ્વારા આ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
