Mysamachar.in-રાજકોટ:
જો તમને કોઈ સુંદર સ્ત્રી રાત્રીના તેના પતિ ઘરે નથી તેવું કહીને ઘરે કે હોટેલમાં બોલાવે તો ચેતી જજો નહિતર પસ્તાવાનો પાર નહિ રહે…સૌરાષ્ટ્રના રાજકોટમાં વધુ એક વખત હની ટ્રેપની ઘટના સામે આવી છે.જેમાં યુવક ફસાઈ જતા તેના હાલ બેહાલ થયા છે, જો કે તેને પોલીસની સમયસર મદદ મળી જતા ત્રણ આરોપીઓ સકંજામાં આવી ચુક્યા છે જ્યારે ત્રણને ઝડપી પાડવા રાજકોટ પોલીસ પ્રયાસ કરી રહી છે, જે રીતે વિગતો સામે આવી રહી છે તે મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના ખંભલાવમાં રહેતા 37 વર્ષીય ભરતભાઈને રાજકોટમાં બે મહિલા સહિત છ સભ્યોની બનેલી ગેંગે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 91 હજાર પડાવી લીધા હતા. આ માટે મિત્રની પત્ની નિકિતા ઉર્ફે પૂજાએ તેને કોલ કરીને કહ્યું હતું કે, મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નથી તો તમે આવી જાવ!
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભરત કાલિયાએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે ખંભલાવ ગામે એક પેઢીમાં મેતાજી તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની ઓફિસની બાજુમાં આવેલી હોટલમાં રાજકોટનો સંદિપ નામનો શખ્સ નોકરી કરતો હોવાથી તેની સાથે મિત્રતા થઈ હતી. ગત તા.17ના રોજ બપોરે તે મિત્ર શકિત સાથે તેની કાર લેવા સુરેન્દ્રનગરના શો રૂમે ગયો હતો. બરાબર તે વખતે મિત્ર સંદિપની પત્ની પુજાનો તેની ઉપર કોલ આવ્યો હતો. તેને કહ્યું કે મારો પતિ સંદિપ આજે જામનગર ગયો છે. રાત્રે પાછો આવવાનો નથી. તમે એકલા મારા ઘરે આવી જાવ. જેથી તેણે પોતે રાજકોટ જોયું ન હોવાથી ગ્રીન લેન્ડ ચોકડીએ પહોંચી કોલ કરશે તેમ કહ્યું હતું. બાદમાં તે પોતાની અલ્ટો કાર લઈ રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો હતો.
બાદમાં નિકિતા ઉર્ફે પુજાને ફોન કરતા તે અને તેની સાથે પોતાનું નામ જાનકી જણાવતી યુવતી ત્યાં આવી હતી. બંને તેની કારમાં બેસી ગઈ હતી. ચોટીલાની કોઈ હોટલમાં રાત રોકાવવાનું નક્કી કરી તે તરફ રવાના થયા હતા. રસ્તામાં નિકિતા ઉર્ફે પુજાએ વોશરૂમ જાવાનું કહી અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખવાનું કહેતા તેણે બેટીના પુલ નજીકના પેટ્રોલ પંપ નજીક કાર ઉભી રાખી હતી અને અન્ય ત્રણ શખ્સો પણ ત્યાં આવી પહોચ્યા હતા આ પૈકી એકે જાનકી નામની જે યુવતી કારમાં બેઠી હતી તે પોતાની બેન હોવાનું જણાવી તેને કયાં લઈ જઈશ તેમ કહી તેને તમાચા ઝીંકી દીધા હતા. તમાચા ઝીંકનારે પોતાનું નામ રાહુલ નિમાવત જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેની સાથે આવેલા બે શખ્સો પોલીસમેન છે. જેમાંથી એકનું નામ જીતુદાન અને બીજાનું નામ જયદીપ છે. બળજબરીથી કારમાં બેસાડી ચાલુ કારે તમાચા ઝીંકી જો બધુ પુરૂ કરવું હોય તો રૂા.1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. તેણે આટલી રકમ નહી હોવાનું કહેતા કોઈ સાહેબ સાથે વાત કરવાનો ડહોળ કરી રૂા.50 હજારની માંગણી કરી હતી. જોકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્સોની ધરપકડ કરી જ્યારે સંદીપ ગોપીયાણી, નિકિતા અને જયદીપ ગોહેલને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ પાસેથી રૂ. 26 હજારની રોકડ સહિત કુલ 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ તમામ સાથે પોલીસે આ ગુન્હાના મૂળ સુધી જવા વધુ તપાસ આદરી છે.