Mysamachar.in-રાજકોટ:
રાજકોટના જેતપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. શા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી, તે પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. આ અંગે મળતી માહિતી મુજબ જેતપુરના ઇલાહી ચોક, નવાગઢ ખાતે રહેતા એક યુવાનની આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ તેની પત્નીના મૃતક સાથે આડા સબંધ હોવાની આશંકાએ હત્યા કર્યાનું કબુલ્યું હતું.
નવાગઢના ઇલાહી ચોકમાં રહેતા દેવાભાઈ રાઠોડ નામના યુવાનની હત્યાના બનાવમાં સીટી પોલીસે મૃતકના પડોશમાં રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે ઇલિયાસ અમીન શેખની ધરપકડ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી નોંધનીય છે કે
આશરે પાંચ મહિના અગાઉ ઈલિયાસની પત્ની પાડોશમાં રહેતા એક યુવક સાથે ભાગી ગઇ હતી ત્યારે દેવાએ ઈલિયાસની પત્નીને પરત લાવવામાં મદદ કરી હતી. તેમજ ઈલિયાસની પત્નિને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ બનાવ બાદ દેવો અવારનવાર ઈલિયાસના ઘરે બેસવા જતો હોવાથી આરોપીને તેની પત્નીના મૃતક સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી અને હત્યા નિપજાવ્યાનું કબૂલ્યું હતું. જે કબુલાતના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.