Mysamachar.in-રાજકોટઃ
તહેવારોને કારણે હાઇવે તથા સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જોવા મળ્યો હતો, એવામાં જો ધ્યાન ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી જાય છે. આવું જ બન્યું રાજકોટમાં પીજીવીસીએલના એન્જિનિયર કુશાલભાઇ શાહ તથા તેમના પરિવાર સાથે. તેઓ વંથલી માતાજીના દર્શન કરવા માટે કારમાં જતા હતા, એ દરમિયાન મોડી રાત્રે જેતપુરના સાંકડી ગામના પાટીયા પાસે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી મારી ગઇ, ઘટનામાં કુશાલભાઇ અને તેમના પિતા દિપકભાઇનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કુશાલભાઇનો જે કારમાં અકસ્માત થયો એ કાર તેમની નહીં પરંતુ તેમના બનેવી નિર્મલભાઇની હતી, તો મૃતક કુશાલભાઇને સંતાનમાં દોઢ વર્ષની એક પુત્રી છે, જેણે નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે ઘરના બે મોભીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ છે.