Mysamachar.in-જામનગર:
જ્યાં સુધી જામનગર ગુજરાતની વાત છે, આ વખતે ચોમાસાની ગતિ સીધી લીટીમાં નથી. મેઘરાજાનો મૂડ કાંઈક અલગ દેખાઈ રહ્યો છે. આગાહી વિદેશી ખાનગી એજન્સીની હોય કે ભારતીય હવામાન વિભાગની કે પછી કોઈ ખાનગી વ્યક્તિની- વરસાદ આગાહીને અનુસરતો નથી અને મરજી મુજબ વર્તી રહ્યા છે મેઘરાજા. મોટાભાગના વિસ્તારોમાં તો વરસાદ પછીની ગરમી પણ સખત અકળાવનારી હોય, માણસ મોસમના મૂડને પારખી શકવામાં થાપ ખાઈ રહ્યો છે. આ હાલકડોલક સ્થિતિમાં હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે કે, રાજ્યમાં મેઘરાજા ધૂમ વરસશે. જો કે લોકો આગાહીઓ પ્રત્યે આશંકિત રહે છે.
હવામાન વિભાગ હાલની સ્થિતિનું વિવરણ આ રીતે કરે છે: દક્ષિણ ગુજરાતથી માંડી ઉત્તર કેરળ સુધી વરસાદનો ઓફ શોર ટ્રફ છે. ચોમાસાની ધરી ગુજરાત નજીક આવી પહોંચી છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયકલોનિક સરકયુલેશન છે. મહારાષ્ટ્રમાં સીવર ઝોન જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વ આસામમાં પણ સાયકલોનિક સરકયુલેશન ડેવલપ થયું છે. અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયકલોનિક સરકયુલેશન છે. આ બધાં જ કારણો ગુજરાત સહિતના પ્રદેશોમાં ભારે વરસાદ વરસાવી શકે છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વ્યાપક વરસાદની સંભાવનાઓ છે. બંગાળની ખાડીના સાયકલોનિક સરકયુલેશનની દિશા કેવી રહે છે તે મહત્ત્વનું છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યમાં 17 થી 24 જૂલાઈ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. કેટલાંક જિલ્લાઓમાં પૂરની પણ શકયતાઓ વ્યક્ત થઈ છે. હાલની આગાહીઓ 10 થી 16 જૂલાઈ માટેની છે.(file image source:google)