Mysamachar.in-જામનગર:
ગુજરાત સહિત દેશભરમાં કયાંય પણ, કોઈ બોરવેલમાં કોઈ બાળક ફસાઈ જાય કે પડી જાય ત્યારે, સર્વત્ર અફડાતફડી મચી જાય છે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સહિત બધાં જ માધ્યમોમાં દેકારો થાય છે, બીજી તરફ જે જગ્યાએ આ ઘટના બની હોય છે ત્યાં દોડધામ હોય છે, સંબંધિત તંત્રો પાસે કોઈ પ્લાનિંગ નથી હોતું, સૌ ઘાંઘાવાંઘા થઈ જાય છે, બચાવ ટીમો પાસે બાળકને સલામત અને તાકીદે બચાવવા ન કોઈ પ્લાન હોય છે, ન કોઈ સંસાધનો. ચીલાચાલુ કામગીરીઓ કલાકો સુધી થતી રહે છે, જેથી બોરમાં ફસાયેલ બાળક, મોટાંભાગના કિસ્સાઓમાં મોતને શરણ થતું હોય છે.! અથવા, ફસાયેલું બાળક અધમૂઉ થઈ જાય ત્યાં સુધી એટલે કે કલાકો સુધી, તંત્રો પોતાની કામગીરીઓમાં સફળ થતાં નથી.
આ પ્રકારની ઘટનાઓ વખતે પ્રથમ અચરજ એ ચર્ચાતું હોય છે કે, આ પ્રકારના જોખમી બોર ખુલ્લા શા માટે રાખવામાં આવે છે.? બોર ઉપયોગમાં ન હોય એવા સમયે બોરને ઢાંકવા માટેની કોઈ હંગામી વ્યવસ્થા શા માટે નહીં .? આ પ્રકારના બોર સુધી રમતું બાળક પહોંચી જાય અને બોરમાં પડી જાય ત્યાં સુધી, બાળકના વાલીઓ બેદરકાર શા માટે રહે છે.? આ પ્રકારની કમનસીબ ઘટનાઓ સમગ્ર દેશમાં અવારનવાર બનતી રહે છે!! છતાં આ પ્રકારની ઘટનાઓ બાદ જે કામગીરીઓ સ્થાનિક તંત્રોએ કરવાની થતી હોય, એ માટે નેશનલ અને સ્ટેટ કક્ષાએ કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિવ સિસ્ટમ આટલાં વર્ષોમાં આપણે હજુ સુધી વિકસાવી શક્યા નથી.
બચાવટૂકડીઓ પાસે માત્ર પરંપરાગત સાધનો હોય છે. તેઓને કોઈ વિશેષ સાધન સામગ્રીઓ ઉપલબ્ધ હોતી નથી. થોડાં સમય અગાઉ જામનગર જિલ્લામાં પણ, તમાચણ નજીક આવો એક બનાવ બનેલો ત્યારે પણ તંત્રો કલાકો સુધી રઘવાટ અનુભવતા હતાં, તેઓ પાસે કોઈ જ જડબેસલાક પ્લાનિંગ ન હતું પરિણામે ફસાયેલા બાળકે કલાકો સુધી મરણતોલ યાતનાઓ સહેવી પડી હતી.
ખરેખર તો, કમનસીબ બનાવો અને આ પ્રકારના અકસ્માત તથા દુર્ઘટનાઓમાંથી સૌએ ઘણું ઘણું શીખવાનું હોય છે, આપણે કશું શીખતાં નથી, દરેક બનાવ વખતે રઘવાટમાં કલાકો બરબાદ કરીએ છીએ. હકીકત એ પણ છે કે, ગુજરાતની રચના થયાને આજે 63 વર્ષ વીતી ગયા, ગુજરાત સરકાર પાસે આજની તારીખે સત્તાવાર ‘ બોરવેલ નીતિ ‘ પણ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામની કાલની ઘટનામાં પણ, અંતે એ કમનસીબ બાળકી મોતને શરણ થતાં નાના એવા રાણ ગામમાં શોક વ્યાપી ગયો છે.