Mysamachar.in-રાજકોટ:
પીજીવીસીએલના એમડી તરીકે જ્યારથી વરુણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેવો દ્વારા ટીમોને પાવરચોરી પર તવાઈ બોલાવવાના આદેશો આપી દેવામાં આવ્યા છે, વીજકંપનીએ જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સઘન વીજચેકિંગ કર્યું જેમાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લા પૈકી સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3.76 કરોડ રૂપિયાની પાવરચોરી માત્ર જાન્યુઆરી માસ દરમિયાન જ પકડવામાં આવી છે જ્યારે બીજા નંબરે કચ્છ-ભુજ જિલ્લામાંથી 3.72 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ પાવરચોરી કરવામાં સુરેન્દ્રનગર પ્રથમ અને બીજા નંબરે કચ્છ-ભુજ છે. ત્રીજા નંબરે મોરબીમાં 2.96 કરોડની પાવરચોરી પકડાઈ છે.
રાજકોટ શહેરમાં 1.51 કરોડની અને ગ્રામ્યમાં 1.28 કરોડની વીજચોરી પકડી છે. એક મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાંથી 84275 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 10023 કનેક્શનમાં ગેરરીતિ પકડી હતી અને પાવરચોરી કરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની સૌરાષ્ટ્રની વિભાગીય કચેરીઓ દ્વારા વીજચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ ચેકિંગ ડ્રાઈવથી પાવરચોરી કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વધુમાં સ્થાનિક નેતાઓનો સહકારની અપેક્ષા સાથે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યને તેમના વિસ્તારમાં ક્યાં ક્યાં અને કેટલા ફિડરમાં વીજલોસ છે તેની વિગતો સાથેના પત્રો મોકલ્યા છે જેમાં સૌરાષ્ટ્રના 55 ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યો સહિત કુલ 66 નેતાઓને 3300 જેટલા ફિડરોનો ડેટા મોકલ્યો છે જેમાં સૌથી વધુ પીજીવીસીએલને લોસ જઈ રહ્યો છે અને સહકાર મળે તેવી માંગણી પણ કરી છે.હજુ પણ વધુ વીજચોરી ઝડપી શકાય તેમ છે પણ પીજીવીસીએલમાં હજુ પણ સ્ટાફની અછત હોવાને કારણે ટીમ તમામ જગ્યાએ ચેકિંગ માટે પહોંચી શકતી નથી.તે પણ હકીકત છે.