Mysamachar.in-વડોદરાઃ
વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં અચાનક એક યુવકે પોતાના બંને હાથની નસ કાપી નાખતા નાસભાગ મચી હતી, થોડીવાર તો પોલીસકર્મીઓ પણ અચંબામાં મૂકાઇ ગયા હતા, જો કે તાત્કાલિક યુવકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પ્રયાસને કારણે ભારે ચર્ચા જાગી હતી. બાદમાં પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું કે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકની પત્ની તેને છોડી પીયર જતી રહી છે. જેના વિરહમાં યુવકે આ પગલું ભર્યું છે.
બનાવની વિગત પ્રમાણે 108ના સ્ટાફને વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપથી પહોંચવાનો કોલ આવ્યો હતો. જેથી તાત્કાલિક 108ની ટીમ રાવપુરા પોલીસ સ્ટેશન દોડી આવી હતી, અહીં પહોંચતા જ એક યુવક લોહીલુહાણ હાલતમાં દેખાયો, આ યુવક રડતાં રડતાં બોલી રહ્યો હતો કે મારી પત્ની ન આવી તો રાવપુરા પોલીસ મથકમાં જ મરી જઇશ. આટલું બોલ્યા બાદ યુવક પોલીસ સ્ટેશનની લોબીમાં જ પર ઢળી પડ્યો જેને 108ની ટીમે સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં યુવક પોતાની પત્ની પીયરમાં હોવાનું રટણ કરી રહ્યો હતો. જો કે યુવકે પોલીસ સ્ટેશનમાં કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે હાલ તપાસ ચાલુ છે.
























































