Mysamachar.in-અમદાવાદઃ
પગારની સાથે સાથે શેર માર્કેટમાં નાનું-મોટું રોકાણ કરીને એક્સ્ટ્રા ઇનકમની કમાણી કરી શકાય છે. જો કે અમદાવાદ પોલીસે એવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે જેઓ લાયસન્સ વગર શેરબજારમાં શેરની લે-વેચ કરી રહ્યાં છે. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતાં અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં જય બ્રહ્મભટ્ટ નામના યુવકની ધરપકડ કરી છે. જય પોતાના મોબાઇલમાં મેટા ટ્રેડર્સ-5 નામની એપ્લિકેશન દ્વારા શેરની લે-વેચ કરતો હોવાનો આરોપ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી જય હવાલા દ્વારા સોદાના શેરના ભાવના વધઘટથી થતા નફા અને નુકસાનના હિસાબો કરીને ભારત સરકારને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપીંડી અને ઠગાઈ કરીને સેબીના નિયમોનું ઉલ્લંઘન કરતો હતો. જયે મોબાઈલ એપ્લિકેશન દ્વારા મોટી રકમના શેરની લે વેચ કરી છે. ત્યારે હાલ પોલીસે આ એપ્લિકેશન કાયદેસરની છે કે કેમ તે અંગે તથા તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરી છે.