My samachar.in : રાજકોટ
ગુજરાતમાં તાજેતરમાં લેવામાં આવેલી LRD અને PSIની ભરતી પ્રક્રિયામાં રૂપિયા મેળવી પાસ કરાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે જેનિસ પરસાણા અને ક્રિષ્ના ભરડવા નામના બે આરોપીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ લાખો રૂપિયા વસૂલી છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભરતી બોર્ડના હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરી રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.પોતે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનું કહીને રાજકોટમાં PSI અને LRDમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર બંટી બબલીની રાજકોટ પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરુ કરી છે,પ્રાથમિક વિગતો અનુસાર 12 લોકો સાથે આ રીતે છેતરપિંડી આચરી અને તેને 5 લાખ રૂપિયામાં નોકરી આપવાની લાલચ આપવામાં આવતી હતી ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણાની પોલીસે ધરપકડ કરી છે.
ક્રિષ્ના મૂળ જૂનાગઢની છે જયારે તે કેન્યાની સિટીઝનશીપ ધરાવે છે, રાજકોટની એક હોટેલમાં ક્રિષ્ના અને જેનિસ ઉમેદવારોને બોલાવતા હતા અને અત્યાર સુધીમાં ૧૦ લોકો પાસેથી ૧.૧૦ લાખ રૂપિયા અને બે લોકો પાસેથી 4-4 લાખ રૂપિયા વસૂલ્યા હતા.ક્રિષ્નાએ બીઓબી બેંકના ગનમેનને પોલીસમાં તેના ઉંચી લાગવગ હોવાનું કહ્યું હતું જેના આધારે પહેલા આશિષ નામના ફરિયાદીએ ક્રિષ્નાનો સંપર્ક કર્યો બાદમાં આશિષની સાથે પ્રેક્ટિસ કરતા ઉમેદવારોએ નોકરીની લાલચમાં ક્રિષ્નાની જાળમાં ફસાયા હતા.ક્રિષ્નાએ ઉમેદવારો પાસેથી લીઘેલા રૂપિયામાંથી 11 લાખની કિંમતની કાર લીધી હતી.ક્રિષ્ના કૌંભાડ આચરી જેનિસ સાથે લગ્ન કરીને કેન્યા ભાગી જવાની ફિરાકમાં હતી.ક્રિષ્નાએ અગાઉ બેંકમાં નોકરી આપવાની લાલચ આપીને એક યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. રાજકોટ ડીસીપી ઝોન- મનોહરસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે પોલીસમાં ભરતીનું કૌંભાડ ચાલી રહ્યું છે જેના આધારે ડીસીપીએ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી અને છટકું ગોઠવીને મોબાઇલ લોકેશનના આધારે ક્રિષ્ના અને જેનિસને પકડી પાડવામાં આવ્યા અને આ સમગ્ર કૌભાંડ છતું થઇ ગયું છે.