Mysamachar.in-ખંભાળીયા:
ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે મસમોટા દાવાઓ કરીને કરોડોના ખર્ચે હોસ્પિટલોના બિલ્ડીંગ ઊભા તો કરી દીધા છે.પરંતુ આ બિલ્ડીંગોની અંદર પ્રજાને આપવાની છે,તે આરોગ્યની સુવિધા જ અપુરતી જોવા મળી રહી છે.માત્ર હોસ્પિટલના બિલ્ડીંગ શોભાના ગાંઠીયા જેમ ખડકી દેવાથી જવાબદારી પુરી થઈ નથી જતી.ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકાની નવી હોસ્પિટલની વાસ્તવિક હકીકતો બહાર આવ્યા બાદ આ જીલ્લાના મુખ્ય મથક જામખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં કેવી સુવિધા છે તેના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે,
રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ખાતે ૪૬ કરોડના ખર્ચે નવી જનરલ હોસ્પિટલ ઊભી કરીને જે તે સમયે મોટા ઉપાડે પદાધિકારીએ હોસ્પિટલનું ઉદ્ધાટન કરીને કાર્યક્ર્મમાં જોડાયા હતા,પરંતુ લોકોની આરોગ્યની સુવિધાને લઈને આ હોસ્પિટલમાં પાયાની જરૂરિયાતની મોટી ખોટ જોવા મળી રહી છે,
જામખંભાળીયા ખાતે ૨૦૧૪માં નિર્માણ પામેલ હોસ્પિટલમાં શરૂઆતથી જ વહીવટ ચલાવી શકે તેવા તબીબી અધિક્ષક એવા C.D.M.O.ની જ જગ્યા ખાલી છે,
હોસ્પિટલને ૧૫૦ બેડની મંજુરી મળેલ હોય જેની સામે ૨૧ મુખ્ય તબીબોની જગ્યા સામે હાલ માત્ર ૯ તબીબો છે, ૮ મેડીકલ ઓફિસરના મહેકમ સામે માત્ર બે મેડીકલ ઓફિસર છે,અને ૪૩ નર્સિંગના મહેકમ સામે ૩૮ નર્સિંગ સ્ટાફ હાલ ફરજ બજાવે છે,
ઉપરાંત હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર તો તૈયાર પડ્યા છે, પણ ઓપરેશન કરી શકે તેવા ગાયનેક, કાન,નાક, ગળાના, જનરલ સર્જન,આંખના વગેરે તબીબોની ઘણા સમયથી જગ્યા જ ખાલી છે,
ચોકાવનારી બાબતો તો એ છે કે હોસ્પિટલમાં મુખ્ય કહી શકાય એવી R.M.O.ની હદય રોગના, બાળકોના તબીબ, હાડકાંના સર્જનની, માનસિક રોગના તબીબની ખાલી હોવાથી હજારો દર્દીઑને આરોગ્યની જોઈએ તેવી સુવિધા તો મળતી જ નથી,અને દ્વારકાની નવી સરકારી હોસ્પિટલની જેમ આ સરકારી હોસ્પિટલ પણ બિનઉપયોગી જેવી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં રોજના 1૦૦૦ હજારથી માંડીને ૧૨૦૦ જેટલા દર્દીઓના ધસારા વચ્ચે હોસ્પિટલમાં રોજના ૧૦૦થી ૧૨૫ દર્દીઓ દાખલ થાય છે..પરંતુ કરોડોના ખર્ચે બનેલ હોસ્પિટલમાં આ વિસ્તારની પ્રજાને જરૂરી સારવાર ન મળતા કયાકને ક્યાક નેતાગીરી નબળી સાબીત થઇ રહી હોય તેવો પણ ભાસ થાય છે,
હોસ્પિટલ ઇન્ચાર્જ અધિક્ષક ડો. કેતન જોશી શું કહે છે..
જામખંભાળીયા ખાતે નિર્માણ પામેલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધા મામલે Mysamachar.in દ્વારા હોસ્પિટલ ઇન્ચાર્જ અધિક્ષક ડો. કેતન જોશીની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે ૧૫૦ બેડની હોસ્પિટલ ૪૬ કરોડના ખર્ચે બનેલ છે પરંતુ મુખ્ય તબીબો સહિત, મેડિકલ ઓફિસર વગેરેની મોટા ભાગની જગ્યા ખાલી છે,અમે સરકારમાં વારંવાર ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત પણ કરીએ છે,સરકાર કઈક કરશે તેવી આશા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.