Mysamachar.in:જામનગર
જામનગર અને કાનાલુસ વચ્ચે હાલમાં બ્રોડગેજની એક રેલવે લાઈન છે, જામનગર-રાજકોટ વચ્ચે પણ એક જ લાઈન છે. આથી રેલવેએ સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત આ રૂટને, રાજકોટ-જામનગર-કાનાલુસને બ્રોડગેજની બીજી લાઈન આપવા માટેની કવાયત હાથ ધરી છે. આ માટે જામનગર તાલુકાના ગામોમાં જમીન સંપાદન કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. ભારતીય રેલવેની મુંબઈ ખાતેની પશ્ચિમ રેલવેની વડી કચેરીએ આ માટે જામનગર તાલુકાના 6 ગામોનાં ગ્રામજનોને નોટિસ મોકલાવી છે. જેમાં ખેતીની જમીન ન હોય તેવી જમીન અને બિનસિંચાઇવાળી જમીનોનો સમાવેશ થાય છે. જુદાં જુદાં સર્વે નંબર હેઠળની આ જમીનોના 7/12 નાં દાખલાઓને આધારે જમીનમાલિકો-કબજેદારોને આ નોટિસ મોકલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, જામનગર તાલુકાના કુલ 6 ગામોનાં 57 જમીન કબજેદારોને જમીન સંપાદન કાર્યવાહી અંતર્ગત આ નોટિસ આપવામાં આવી છે. જેમાં ખીમરાણાના 5, શેખપાટના 7, અલિયાના 12, મોડા ગામનાં 20 કબજેદારો તથા ચાવડા નાં 12 અને જામવણથલી નાં એક જમીન કબજેદારનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આ સમગ્ર પ્રક્રિયા 2022 નાં મેં મહિનામાં શરૂ કરવામાં આવી હતી જે હવે જામનગર તાલુકામાં પહોંચી છે. આગામી સમયમાં રેલવે તંત્ર દ્વારા આ કાર્યવાહી ફિઝિકલ સ્વરૂપમાં શરૂ કરવામાં આવશે, હાલ માત્ર નોટિસ આપવામાં આવી છે. રાજકોટ-જામનગર-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક થતાં રેલવેની ફ્રિકવન્સી તથા ટ્રેનોની સંખ્યા ભવિષ્યમાં વધી શકે છે.