Mysamachar.in-જામનગર:
જામનગરના નગરજનો 25-25 વર્ષોથી એક જ પક્ષને ખોબલે ખોબલે મત આપે છે અને કોર્પોરેશનમાં લોકોએ આ પક્ષને શાસન ‘કાયમ માટે’ સોંપી દીધું. પરંતુ તેની બીજી બાજુ એ છે કે, લાખો નગરજનોને આ મતોનાં બદલામાં આપવામાં શું આવ્યું.? એ પ્રશ્નનો ઉત્તર છે: લાલિયાવાડી!!! જામનગર મહાનગરપાલિકામાં વર્ષો અગાઉ શાસકોએ અધિકારીઓ અને કર્મચારીઓની કુલ જગ્યાઓ માટે, મહેકમ મંજૂર કર્યું. આ મહેકમ મુજબ જગ્યાઓ ભરવામાં આવતી નથી. સેંકડો જગ્યાઓ ખાલી રાખવામાં આવે છે ! જેને કારણે લાખો નગરજનોનાં કામો ટલ્લે ચડે છે અને કહેવાતો વિકાસ ખોડંગાતો ચાલી રહ્યો છે, જેનું સંપૂર્ણ નુકસાન આ મતદાતાઓના ખાતાંમાં વર્ષોથી ઉધારાઇ રહ્યું છે.
શહેરની વસતિમાં પાછલાં વરસોમાં તોતિંગ વધારો થયો છે, 10 વર્ષથી શહેરનો વિસ્તાર અનેકગણો વધારવામાં આવ્યો, જેથી કોર્પોરેશન પર કામોનું ભારણ અનેકગણું વધી ગયું, લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ તથા વિકાસભૂખ અનેકગણી વધી. બીજી તરફ કોર્પોરેશન પાસે પૂરતી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જ નથી ?! તો, કોર્પોરેશનનું સંચાલન કેવી રીતે થઈ શકે ?! લોકોના કામો અને વિકાસના કામો- કેવી રીતે થઈ શકે ?! મતદાતાઓ એકમેકને પૂછે છે કે, શાસકો કયારેય આ મુદ્દે વિચારે છે ?! મતદાતાઓ માને છે કે, શાસકો વિચારતાં હોય તો- આવી કરુણ સ્થિતિ હોય.?
વર્ષો અગાઉ જામનગર મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે, લોકોના કામો તથા વિકાસકામો કરવા 1,178 અધિકારીઓ અને કર્મચારીઓ જોઈએ. આજની તારીખે આ પૈકી 672 જગ્યાઓ ખાલી.!! અને, આટલાં વર્ષોમાં સ્થિતિ બદલાઈ ચૂકી હોય, અગાઉની મંજૂર 1,178 જગ્યાઓને બદલે વધુ જગ્યાઓ મંજૂર કરવી પડે. આ કામ પણ વર્ષોથી કરવામાં આવ્યું નથી.
બીજી તરફ વિપક્ષ હજારો વખત કહે છે, જૂના મહેકમ મુજબ જગ્યાઓ ભરો. નવું સેટઅપ લાવો, જગ્યાઓ વધારો. વિપક્ષની આ વાતને હવામાં ઉડાવી દેવામાં આવે છે, વિપક્ષની વાત નગરજનોના હિતમાં છે અને વાજબી છે, છતાં આ વાત પર ધ્યાન આપવામાં આવતું નથી !! જો કે વિપક્ષ પણ કાઈ ઉકાળી લે તેવી સ્થિતિમાં નથી કારણ કે શાશકો સાથે વિપક્ષનું ઇલુ ઇલુ બધા જાણે છે,
અધિકારીઓને તથા કર્મચારીઓને બઢતીઓ આપવામાં આવતી નથી, જરૂરિયાત છતાં ભરતીઓ કરવામાં આવતી નથી, કેટલાંક કિસ્સાઓમાં નિવૃત અધિકારીઓ કે કર્મચારીઓની જગ્યાઓ ખાલી જ રાખવામાં આવે છે, ખાસ કિસ્સાઓમાં નિવૃત થયેલાંઓને વારંવાર એક્સટેન્શન આપીએ રાખવામાં આવે છે.
નાયબ કમિશનર અને સમકક્ષની બે જગ્યાઓ ખાલી, ચીફ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી, કાર્યપાલક ઇજનેરોની 80 ટકા જગ્યાઓ ખાલી, ઈન્કવાયરી અધિકારી છે જ નહીં ! મેડિકલ ઓફિસરની 50 ટકા જગ્યાઓ ખાલી, નાયબ કાર્યપાલક ઇજનેરોની 7 જગ્યાઓ ખાલી, CDPO અને પ્રોજેક્ટ ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવી નથી, વહીવટી અધિકારીઓની 50 ટકા જગ્યાઓ ખાલી, જૂનિયર ઈજનેરોની 23 જગ્યાઓ ખાલી, ડેપ્યુુટી ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ખાલી, પશુ ડોકટર છે જ નહીં, વર્ગ-3 ના કર્મચારીઓની 519 જગ્યાઓ ખાલી અને વર્ગ-4 ના 105 કર્મચારીઓની જગ્યાઓ પણ ખાલી.
આ સ્થિતિને કારણે લાખો નગરજનોએ પોતાના રોજિંદા કામો માટે કોર્પોરેશનમાં ધક્કા ખાવા પડે છે, કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ પર કામોનું અતિશય ભારણ છે, વિકાસકામો અને પ્રાથમિક જરૂરિયાતના કામોમાં વિલંબ થતો હોય, કામો મોંઘા પડી રહ્યા છે અને લાખો નગરજનોને સેવાઓ અને સુવિધાઓ મેળવવામાં વિલંબ સહન કરવો પડે છે, બીજી તરફ મોટભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઉજવણીઓ અને અભિયાનો જેવા ફાલતૂ કામોમાં રોકી રાખવામાં આવતાં હોય, સરવાળે આ બધું જ નુકસાન નગરજનોએ વેઠવું પડે છે !!!