Mysamachar.in:ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નોટરી પ્રક્રિયાઓ અંગે તથા તેની જરૂરિયાત અંગે સૌ જાણે છે. આ દિશામાં સરકારે એક નવું કદમ લીધું છે. આગામી સમયમાં આ આખો વ્યવસાય ડિજિટલ બની જશે જેને કારણે પારદર્શિતા અને ઝડપ વધી જશે. નોટરી પ્રક્રિયાઓ એક જબ્બર વિષય છે, લગભગ તમામ પ્રકારના કાયદેસરના દસ્તાવેજની વિશ્વસનીયતા માટે જેતે દસ્તાવેજ નોટરી કરાવવો આવશ્યક હોય છે જેને કારણે સમગ્ર રાજ્યમાં આ કામગીરીઓ મોટાં પ્રમાણમાં થતી હોય છે. હવે ગુજરાત સરકાર સામાન્ય નોટરી પદ્ધતિની જગ્યાએ ઈ-નોટરી સિસ્ટમ લાવી રહી છે, આ પ્રકારની સિસ્ટમ લાવનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની જશે.
સરકારે આ કામગીરીઓ માટે એક ખાનગી કંપની સાથે MoU સાઈન કર્યું છે. આ કંપની સમગ્ર ગુજરાતમાં નોટરી પ્રક્રિયાઓને ડિજિટલ સ્વરૂપ આપશે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોટરી એક નિષ્પક્ષ સાક્ષી છે, જેને કાયદાનું સમર્થન છે. તે કાનૂની દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી શકે છે, કરી આપે છે. રિયલ એસ્ટેટ ડીડ, વિલ, પાવર ઓફ એટર્ની સહિતના વિવિધ કાનૂની દસ્તાવેજ નોટરી કરાવવામાં આવતાં હોય છે.નોટરીની આ આખી વ્યવસ્થા કાનૂની બાબતોમાં છેતરપિંડીઓ અટકાવવા માટે છે. નોટરી તમારાં કાનૂની દસ્તાવેજને પ્રમાણિત કરી આપે છે. જે રાજ્યમાં તે વસવાટ કરતાં હોય તે રાજ્યની સરકાર તેમને નોટરી તરીકેનું લાયસન્સ આપે છે. નોટરીનું નેશનલ કક્ષાએ એસોસિએશન પણ છે.
નોટરીની સૌ પ્રથમ શરૂઆત પ્રાચીન ઈજિપ્ત દેશમાં શરૂ થયેલી. કેટલાંક કિસ્સાઓ એવા પણ જાહેર થતાં હોય છે જેમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે મામલામાં નોટરી પણ સંડોવાયેલ હોય !! આ પ્રકારની ખામીઓ અને છેતરપિંડીઓ અટકાવવા સરકાર આ સમગ્ર પદ્ધતિને ડિજિટલ બનાવવા ચાહે છે,
આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી નોટરી થયેલાં દસ્તાવેજની યાદીઓ તથા જરૂરી વિગતો મેળવી શકાશે તેમ હાલ માનવામાં આવે છે અને આ અંગેની તમામ સત્તાવાર માહિતીઓ આગામી સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. હાલમાં માત્ર MoU થયાની વિગતો બહાર આવી છે.