Mysamachar.in:જામનગર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં રસ્તે રઝળતા મોત…એટલે કે પશુઓનો ત્રાસ અસહ્ય છે છાશવારે કોઈને કોઈ નિર્દોષ વ્યક્તિ તેનો ભોગ બનતા જ રહે છે અને આવી જ વધુ એક ઘટના શહેર નજીક ખીજડીયા બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે બની જ્યાં બે સગાભાઈઓ ટુ વ્હીલર લઈને આવી રહ્યા હતા ત્યારે સામેથી અચાનક એક ખુટીયો દોડતો આવ્યો અને બન્ને ભાઈઓને અડફેટ લેતા એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે જયારે બીજાની જી.જી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે,
આ અંગેની વિગતો એવી છે કે કિશાન ચોક નજીક બાઈની વાડી વિસ્તારમાં વસવાટ કરતા કાનજીભાઈ સોલંકીના બે પુત્રો ચોકલેટના કારખાનામાં કામ કરે છે, અને પોતાના ટુ વ્હીલરમાં જ આવ-જા કરે છે, ત્યારે બે દિવસ પૂર્વે બન્ને ભાઈઓ જેમાં મહેશ સોલંકી ઉ.વ 18 અને તેનો મોટો ભાઈ પ્રકાશ સોલંકી ઉ.વ 21 વાળા ઘરે પરત આવતા હતા ત્યારે ખીજડીયા બાયપાસથી ઠેબા નજીકના રસ્તા પર એક ખુટીયો અચાનક દોડતો સામે આવ્યો અને બન્ને ભાઈઓને અડફેટ લેતા બન્ને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા બન્ને તત્કાલ સારવાર અર્થે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન બન્ને સગા ભાઈઓ પૈકી નાના ભાઈ મહેશ સોલંકીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જયારે 21 વર્ષીય મોટાભાઈ પ્રકાશ સોલંકીની હાલ સારવાર ચાલી રહી છે.