Mysamachar.in-ગુજરાત:
બેંક એટલે ભરોસો. એમાં પણ સરકારી બેંક એટલે નાણાંની સલામતીની ગેરંટી. આ પ્રકારનો વિશ્વાસ કરોડો ખાતેદારો ધરાવે છે, આ વિશ્વાસ અંધ વિશ્વાસ પૂરવાર ન થાય તે જોવું પણ આવશ્યક બની રહ્યું છે. કારણ કે જુદાં જુદાં કારણોસર તમારાં નાણાં સાથે સફેદ અથવા શ્યામ ગેઈમ રમાઈ શકે છે !!
ઘણી બધી બેંકોમાં અને વીમા નિયંત્રક સંસ્થા IRDA પાસે એવી ફરિયાદો પહોંચી રહી છે કે, બેંક દ્વારા ખાતેદારના ખાતાંમાંથી વીમાના પ્રીમિયમ પેટે રકમ કપાઈ ગઈ હોય છે પરંતુ આ અંગે ખાતેદારને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી હોતી નથી!! વીમા પોલિસીનું મિસ સેલિંગ ? કે, બેંક દ્વારા જાણીજોઈને ગોઠવવામાં આવેલો દાવ ?! જે હોય તે, પરંતુ હકીકત એ છે કે, આ રીતે બેંકો ખાતેદારોના ખાતાંમાંથી કરોડો રૂપિયા ઉસેડી રહી છે !! ખાતેદારના ખાતામાં ઉધારવામાં આવેલી રકમ બહુ નાની હોય છે પરંતુ આ પ્રકારના ખાતેદારોની દેશભરમાં સંખ્યા કરોડોની હોવાથી આ આખો ખેલ અબજો રૂપિયાનો હોવાનું બહાર આવ્યું છે !!
સરકારે ઘણી બધી બેંકોના મેનેજમેન્ટને સૂચનાઓ આપેલી હોય જ છે કે, ઓછાં પ્રીમિયમવાળી પોલિસીઓ મોટી સંખ્યામાં વેચવાની થાય છે. આથી સરકારમાં બેંકનું સારું દેખાડવા બેંકો ખાતેદારોના ખાતાંમાંથી નાના પ્રીમિયમની રકમ કાપી લેતી હોય છે, એટલેથી જ વાત પૂરી થતી નથી, બેંક આ વ્યવહાર અંગે ખાતેદારને જાણ પણ કરતી નથી. અને વીમા પોલિસી અંગે પણ આ ખાતેદારને કોઈ જાણ કરવામાં આવતી નથી !
નવાઈની વાત એ પણ છે કે, બેંકો દ્વારા આમ કરવામાં આવે છે તે મુદ્દે વીમા નિયંત્રક સંસ્થા પણ કશું કરતી નથી. થોડાં સમય અગાઉ ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક દ્વારા આ રીતે લગભગ તમામ ખાતેદારોના ખાતાંમાંથી 9-9 રૂપિયા ડિડકટ કરી લેવામાં આવ્યા હતાં. અને આ ખાતેદારોને જાણ પણ કરવામાં આવી ન હતી કે, તેઓના અકસ્માત વીમા લેવામાં આવ્યા છે.
આ પ્રકારના ઘણાં કિસ્સાઓમાં એવું પણ થાય છે કે, એક જ સરકારી યોજના હેઠળ બે અલગઅલગ બેંકોના ખાતાંમાંથી એક જ ખાતેદારના નાણાં બે વખત કપાઈ ગયા હોય. ખરેખર તો જે ગરીબ લોકો કોઈ પણ પ્રકારનો વીમો ધરાવતાં ન હોય, તેઓને આ પ્રકારના વીમા આપવાના હોય છે તેને બદલે લગભગ બેંક ખાતાંઓમાં આ રકમ ઉધારી નાંખવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
જે સરકારી યોજના હેઠળ ખાતેદારોના અલગઅલગ ખાતાંમાંથી આ રીતે વીમા પ્રીમિયમ કપાયા હોય, તેઓને બે વીમા કલેઈમ તો મળવાના હોય જ નહીં, આથી આ રીતે પણ ખાતેદારોને નુકસાન થતું હોય છે. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેન્કોના ખાતેદારોએ પોતાની બેંક પાસબુક સમયે સમયે ચકાસી લેવી જોઈએ. ઘણાં કિસ્સાઓમાં તો આ મુદ્દે ખાતેદારોને જાણ નથી હોતી તેથી અકસ્માત મોતના સંજોગોમાં કોઈ કલેઈમ માટે પણ આગળ આવતું હોતું નથી !!
ઘણાં છાત્રો હોસ્ટેલમાં રહેતાં હોય છે તેઓના બેંક ખાતાંમાં પણ આ રીતે રકમો ઉધારાઇ જતી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારના કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે, માતાપિતાએ પરિવારના તમામ સભ્યોની વીમા પોલિસીઓ લીધેલી હોય જ છે તેથી આવા વિદ્યાર્થીઓ માટે આ વધારાની વીમા પોલિસી અર્થહીન બની જતી હોય છે.
વીમા પોલિસીનો નિયમ એવો છે કે, વીમા એજન્ટ અથવા દલાલે પોલિસી લેનારને તેની ભાષામાં પાક્કી અને લેખિત સમજણ આપવાની હોય છે. આ સમજૂતીના કાગળો વીમા કંપનીઓએ વીમાના અસ્તિત્વના સમયગાળા સુધી પોતાના ડોકેટમાં સાચવી રાખવા ફરજિયાત હોય છે. આ ઉપરાંત વીમાધારકને વીમાની શરતો પસંદ ન પડે તો, બે સપ્તાહની અંદર ધારક આ પોલિસી પરત આપવાનો અધિકાર પણ ધરાવે છે, પરંતુ બેન્કો ડાયરેક્ટ પ્રીમિયમ કાપી લેતી હોય વીમાધારકોના આ અધિકારો છીનવાઈ જાય છે અને ધારક પાસે કોઈ જ જાણકારીઓ પણ નથી હોતી. તમે તમારી બેંક પાસબુક ચકાસતાં રહેજો.