Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની મધ્યમાં આવેલ પટેલ કોલોની શેરી નંબર 5/1 ખાતે છ દાયકા પહેલા નિર્માણ પામેલા શ્રી ઓદિચ્ય બ્રહ્મ સમાજ છાત્રવાસ સંકુલનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના ધારાસભ્યો, પૂર્વમંત્રી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શ્રી 5 નવતનપુરી ધામ (ખીજડા મંદિર)ના મહંત 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના કરકમલો દ્વારા શીલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના સેવક અને આ વિસ્તારના લોકપ્રિય કોર્પોરેટર સુભાષભાઈ જોશીનું વિશેષ સન્માન થયું હતું.
60 વર્ષ પહેલા બનેલ શ્રી ઓદિચ્ય બ્રહ્મ સમાજ છાત્રવાસનું નિર્માણ “બ્રહ્મ બંધુત્વ”ની ઉમદા ભાવના સાથે કરાયું હતું. હવે આ સંસ્થાની ઇમારતને નવજીવન આપવાની જરૂરિયાત ઊભી થતા સંસ્થાના સંચાલકોએ તમામ સભ્યોની સહમતીથી આ સંકુલની કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં સમાજના આગેવાનો ઉપરાંત શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના મહંત ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજના વરદ હસ્તે શિલાન્યાસ વિધિ થઈ હતી.
આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા મહારાજ શ્રી એ જણાવેલ કે તમામ લોકો વધુ સંગઠિત બની આ તેમજ ભવિષ્યમાં સમાજનો ઉપયોગી પ્રોજેક્ટ સાકાર કરે તે જરૂરી છે. શહેરની વચ્ચે આવેલા સંકુલ બ્રહ્મ સમાજ ઉપરાંત અન્ય સમાજને પણ ઉપયોગી થાય છે અને તે નવીનીકરણ બાદ વધુ ઉપયોગી લોકપ્રિય થશે. પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પણ ગમે ત્યારે જરૂર પડે ત્યારે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સાંસદ પૂનમબેન માડમ બહારગામ હોવાથી હાજર ન રહી શકતા કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો.
આ પ્રસંગે તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજન જાની તથા ટ્રસ્ટી પરેશ જાની, જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ વાસુ, શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ અને મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશિષ જોશી, બ્રહ્મ અગ્રણી અને જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી હિતેન ભટ્ટ, કોર્પોરેટરો, જુદી-જુદી સંસ્થાના પ્રતિનિધિઓ, પૂર્વ મેયર ડો.અશ્વિન ભટ્ટ, દિનેશપટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિકાસ ગૃહના કરસનભાઈ ડાંગર, ગુર્જર સુથાર જ્ઞાતિના ટ્રસ્ટી દિલીપભાઈ ભારદીયા, બ્રહ્મ સમાજના પ્રમુખ ચીમન જોશી, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ, જુદા જુદા બ્રહ્મ ઘટકોના આગેવાનો, સ્થાનિક આગેવાનો તેમજ છાત્રાવાસ સંસ્થાના સભ્યો અને પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો. જોગીન જોશી, મંત્રી વકીલ કશ્યપ ત્રિવેદી, ઉપ-પ્રમુખ વકીલ અતુલ શુક્લ, સહમંત્રી ભાર્ગવ ઠાકર, શિક્ષણ સેલના મધુભાઈ વ્યાસ, ઉપેન્દ્ર વ્યાસે જહેમત ઉઠાવી હતી. સાથે જ આ પ્રોજેક્ટ માટે દાનની સરવાણી શરૂ થઈ હતી. આ પ્રસંગે સંસ્થાને સદા ઉપયોગી બનતા વોર્ડ નંબર ત્રણના લોકપ્રિય નગરસેવક અને સંસ્થાના કારોબારી સભ્ય સુભાષભાઈ જોશીનું મહંત શ્રી કૃષ્ણમણીજી, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી તેમજ સંસ્થાના હોદ્દેદારો ઉપરાંત અન્ય સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.