Mysamachar.in-રાજકોટ
તાજેતરમાં જ રાજકોટમાંથી દોરા ધાગા અને નંગ વીંટીના નામે લોકો પાસેથી મોટી રકમ ખંખેરતા દિલ્હીના ઢોંગીનો પર્દાફાશ થયા બાદ આવું વધુ એક વખત રાજકોટમાં સામે આવ્યું છે, જ્યાં મૂળાની વિધિને નામે એક કહેવાતા જ્યોતિષીએ લોકોને શીશામાં ઉતારવાનું શરુ કર્યાનું સામે આવતા જન વિજ્ઞાન જાથા સહિતની ટીમે આ આ કહેવાતા જ્યોતિષીને ખુલ્લો પાડ્યો છે, રાજકોટમાં 10 વર્ષથી દોરા, ધાગા, જ્યોતિષ, મૂળાની વિધિથી ઉતારનું કામ કરનાર જ્યોતિષી અશ્વિનના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અને તાલુકા પોલીસની મદદથી પર્દાફાશ થયો છે. રાજકોટના વકીલ સાથે છેતરપિંડી કરતાં જ્યોતિષીનો ભાંડાફોડ થયો છે.
ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી આખરે પકડાતા અને લોકઅપનો અનુભવ થતા બધી જ જ્યોતિષી નીકળી ગઇ છે. ધોરાજીના વતની અને રાજકોટના ગોપાલનગરમાં રહેતા વકીલ અશ્વિન નાનજીભાઈ ગોહેલને આ જ્યોતિષીનો કડવો અનુભવ થયો હતો. તેઓએ પોતે આપેલી રકમ પરત માગતા અશ્વિન મહેતાએ ગલ્લાતલ્લા કર્યા હતા. બાદમાં થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જ્યોતિષીએ પડકાર આપતા વકીલે રાજકોટના અન્ય પરિવારોને આ જ્યોતિષી છેતરે નહીં તે માટે તાલુકા પોલીસ સ્ટેશન અને વિજ્ઞાન જાથામાં અરજીની નકલ આપી હતી.
જ્યોતિષ વિશે લોકોને પૂછતા જણાવ્યું હતું કે, મૂળા ઉતાર વિધીમાં સ્મશાનમાં ઉાતર મૂકવો, માતાજીના મઢમાં તાંત્રિક વિધીની વસ્તુ મૂકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, મૂળો છોડવો સહિતની વિધીનો ડર બતાવી અશ્વિન લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં બાતમીના આધારે તાલુકા પોલીસે ભાડાના મકાનમાં પહોંચતા અશ્વિન મળી આવ્યો હતો અને તેને ઝડપી લીધો હતો. અશ્વિનએ જાથા અને પોલીસ સમક્ષ માફી માગી હતી. આગળની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી છે.