Mysamachar.in-જામનગર:
જામનગરના એસ ટી ડેપોમાં મોડી રાતે મુસાફરોની અવરજવર બંધ થઈ જાય, પછી ત્યાં કોણ હોય છે ?! કે પછી, ડેપોની ઈમારતમાં આવેલાં બંધ ઓરડાઓમાં રાતે મહેફિલો મંડાઈ રહી છે ?! આ પ્રકારની નશીલી પ્રવૃતિઓ પર સ્થાનિક પોલીસની નજર નથી ?! વગેરે પ્રશ્નો સપાટી પર આવ્યા છે. આ પ્રકારના પ્રશ્નો ઉભા થવા પાછળ કારણો પણ છે. અને આ બધી જ બાબતો રેકર્ડ પર છે. એટલે ડેપો સતાવાળાઓ કે પોલીસ આ મુદ્દે પોતાનો બચાવ પણ કરી શકવાની સ્થિતિમાં નથી.
જામનગરનો એસટી ડેપો વિશિષ્ટ સ્થળ છે. દાયકાઓથી આ ડેપોની ઈમારત ખંઢેર બની ચૂકી હોવા છતાં, ઈમારતના નવનિર્માણનું મુહૂર્ત હજુ સુધી કોઈએ જ્યોતિષ પાસે જોવડાવ્યું નથી ! કંઈક અઘટિત બનશે તો ?! આ ખંઢેર ઈમારતનું પરિસર જો કે ચકાચક રાખવા, ડેપોના કર્તાહર્તાઓ અને કોર્પોરેશન સતત ચિંતિત અને એક્ટિવ રહે છે !! વારંવાર અહીં ‘સ્વચ્છતા હી સેવા’અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ થાય છે. મહાનુભાવો પધારે છે, ફોટોસેશન થાય છે, ફૂલોના બુકેની લેતીદેતીઓ થાય છે અને સાથેસાથે આ ‘સ્વચ્છ’ બનાવવામાં આવેલાં પરિસરમાં શરાબની ખાલી બોટલો મળતી રહે છે !!
એસટી ડેપોમાં મોડી રાતે નશેડીઓની અવરજવર થાય છે ?! કે, ડેપોની ઈમારતની અંદર મહેફિલો મંડાય છે ?! શરાબની ખાલી બોટલો અહીં કોણ ફેંકી જાય છે ?! CCTV કેમેરા ફૂટેજ ચકાસવામાં આવે તો કાંઈક જાણવા મળી શકે ? આવી જાણકારીઓ મેળવવાની ડેપો સત્તાવાળાઓ કે પોલીસને તમન્ના છે ખરી ?!
થોડાંક દિવસો પહેલાં એસટી ડેપો પરિસરમાંથી શરાબની ઘણી ખાલી બોટલો મળી આવેલી. થોડી કલાકો ઉહાપોહ ચાલ્યા બાદ સૌ શાંત. પછી સફાઈનો સામૂહિક કાર્યક્રમ પણ થયો. પછી અમદાવાદની એક ટીમ જામનગર એસટી ડેપોની મુલાકાતે આવી, આ મુલાકાત દરમિયાન પણ એસટી ડેપો પરિસરમાં શરાબની ખાલી બોટલો મહેમાનોની નજરે ચડી ગઈ. ડેપો સત્તાવાળાઓ ભોંઠા પડ્યા.