Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરના પ્રદર્શન મેદાન પર લોકમેળો આયોજિત કર્યો છે, આ બાબતને અદાલતમાં પડકારવામાં આવી છે અને સંભવિત દુર્ઘટનાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. અદાલતે મહાનગરપાલિકાને નોટિસ આપી છે અને આગામી સમયમાં તેની સુનાવણી થશે.
જામનગરના કલ્પેશ આશાણી નામના એક અરજદારે મહાનગરપાલિકાના લોકમેળાના આયોજનને અદાલતમાં પડકાર આપતાં આ મામલો ચર્ચાસ્પદ બનવા સંભવ છે. અરજદારે મેળા યોજવા સામે મનાઈહુકમની પણ માંગણી કરી છે, આ મામલાની સુનાવણી જામનગરની અદાલતમાં આગામી શુક્રવારે યોજાશે.
અરજદારે અદાલત સમક્ષ રજૂઆત કરી છે કે, શહેરના પ્રદર્શન મેદાન પર લોકમેળાનું આયોજન વિચારણાઓ કર્યા વગર ગોઠવવામાં આવ્યું છે. રજૂઆતમાં કહેવાયું છે કે, આ આયોજનને કારણે દુર્ઘટનાની સંભાવના હોય, સંભવિત દુર્ઘટના અટકાવવા મેળો યોજવા સામે મનાઈહુકમની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆત કહે છે: એક તરફ સાત રસ્તા નજીક ફ્લાય ઓવરનું કામ ચાલે છે. સાત રસ્તા સર્કલ ખાતે હાલમાં પણ ટ્રાફિક સમસ્યાઓ છે. મેળા દરમિયાન પરિસ્થિતિઓ વણસી શકે છે. વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ આ રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાશે તો, ઈમરજન્સી સમયે શું થશે ? ઈમરજન્સી વાહનો મેળાના સ્થળ આસપાસ કયાંય પહોંચી શકશે નહીં. આ વિસ્તારમાં અનેક મહત્ત્વના રહેણાંક વિસ્તાર અને વસાહતો તથા સરકારી કચેરીઓ આવેલી છે. આ વિસ્તારોમાં લોકમેળાઓ દરમિયાન ભારે ટ્રાફિક જોવા મળશે.
મેળાના સ્થળે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય હાલત ઉભી ન થાય તે સુનિશ્ચિત કરવા અથવા આ લોકમેળાઓ શહેરની બહાર આયોજિત કરવા મામલે દાદ માંગવામાં આવતાં અદાલતે મહાનગરપાલિકાને નોટિસ મોકલાવી 13 ઓગસ્ટે જવાબ દાખલ કરવા જણાવેલું પરંતુ જામનગર મહાનગરપાલિકાએ 13મી એ અદાલતમાં ઉપસ્થિત રહેવા અંગે અશક્તિ જાહેર કરતાં અદાલતે આ મામલાની સુનાવણી આગામી શુક્રવારે, 16મી ઓગસ્ટે નિર્ધારીત કરી છે.(file image source:google)